<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

કાશીમાં હોળીનો પહેલો ગુલાલ બાબા વિશ્વનાથને નહીં, પણ આ 'તાંત્રિક દેવી'ને ચઢાવાય છે! જાણો 64 યોગિનીઓની એ રહસ્યમય કથા જેના વિના હોળી અધૂરી ગણાય છે

રંગભરી એકાદશી પછી ચૌસઠ્ઠી દેવીના દરબારમાં ઉમટે છે ભક્તોનું ઘોડાપૂર: રાજા દિવોદાસ અને શિવજીની શરત સાથે જોડાયેલો છે આ પ્રાચીન ઈતિહાસ, જાણો કેમ કાશીવાસીઓ અહીં માથું ટેકવ્યા વિના નથી રમતા હોળી

વારાણસી : મહાદેવની નગરી કાશીમાં હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ પરંપરાઓનો જીવંત ઉત્સવ છે. અહીં બાબા વિશ્વનાથ પાસે હોળી રમવાની પરવાનગી લીધા બાદ, વર્ષો જૂની પરંપરા મુજબ કાશીનો પહેલો ગુલાલ દશાશ્વમેઘ ઘાટ પાસે બિરાજમાન 'ચૌસઠ્ઠી દેવી' (64 યોગિની) ને અર્પણ કરવામાં આવે છે. કાશીવાસીઓ માને છે કે જ્યાં સુધી આ તાંત્રિક દેવીના ચરણોમાં અબીર-ગુલાલ ન ચઢે, ત્યાં સુધી હોળીની ઉજવણી શરૂ થઈ શકતી નથી.
શું છે 64 યોગિનીઓની પૌરાણિક કથા?
જ્યોતિષીઓના મતે, આ પરંપરા પાછળ એક રસપ્રદ કથા છે. પ્રાચીન સમયમાં કાશીમાં રાજા દિવોદાસનું શાસન હતું. તેમણે શરત મૂકી હતી કે જો શિવજી કાશી છોડી દે, તો તેઓ આ નગરીને સ્વર્ગ બનાવી દેશે. શિવજી કૈલાશ ગયા, પરંતુ કાશી પ્રત્યેના તેમના મોહને કારણે તેમણે 64 યોગિનીઓને નગરીની સ્થિતિ જાણવા મોકલી. આ યોગિનીઓ કાશીના સૌંદર્ય અને ભક્તિમાં એટલી મગ્ન થઈ ગઈ કે તેઓ પાછી જવાને બદલે અહીં જ સ્થાયી થઈ ગઈ. આજે તેઓ 'ચૌસઠ્ઠી દેવી' તરીકે પૂજાય છે.
તંત્ર સાધના અને મુક્તિનું કેન્દ્ર
દશાશ્વમેઘ ઘાટ નજીક આવેલું આ મંદિર તંત્ર સાધના માટે જાણીતું છે. હોળીની સાંજે આખું મંદિર પરિસર અબીર અને ગુલાલના રંગોથી ભરાઈ જાય છે. ભક્તો મુઠ્ઠીભર ગુલાલ લઈને માતાના દરબારમાં પહોંચે છે અને સુખ, શાંતિ તથા પાપોમાંથી મુક્તિની પ્રાર્થના કરે છે. સ્કંદ પુરાણના કાશીખંડમાં પણ આ દેવીના દર્શનનો મહિમા ગાયો છે.
બંગાળના રાજાઓએ કરાવ્યું હતું નિર્માણ
ઈતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે, 16મી સદીમાં બંગાળના રાજા પ્રતાપદિત્યએ ચૌસઠ્ઠી ઘાટનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારબાદ 18મી સદીમાં રાજા દિગ્પટિયાએ આ જર્જરિત ઘાટનું પુનઃનિર્માણ કરાવીને તેને ભવ્ય સ્વરૂપ આપ્યું હતું. આજે પણ હોળી અને નવરાત્રિ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.
કાશીવાસી પ્રભુનાથ ત્રિપાઠી જણાવે છે કે, "અમારા માટે માતા ચૌસઠ્ઠીના આશીર્વાદ વિના હોળીની કલ્પના કરવી પણ અશક્ય છે. ભલે સમય બદલાયો હોય, પણ દેવીને ગુલાલ ચઢાવવાની અમારી આસ્થા આજે પણ અકબંધ છે."

(9:33 PM IST)