News of Tuesday, 3rd March 2026
ક્યારે શાંત થશે મધ્ય પૂર્વની આગ? ટ્રમ્પ અને નેતન્યાહૂએ આપ્યા યુદ્ધ વિરામના સંકેત, જાણો અમેરિકા અને ઈઝરાયલનો 'ફાઈનલ પ્લાન' શું છે?
૪ થી ૫ અઠવાડિયામાં ખેલ ખતમ કરવાની રણનીતિ: આયાતુલ્લાહ ખામેનીના નિધન બાદ ઈરાન રઘવાયું થયું, ગલ્ફ દેશો પર મિસાઈલ હુમલા તેજ - પીએમ મોદીએ શાંતિ માટે કરી અપીલ, ભારતીય નાગરિકોની સુરક્ષા પર મોટું અપડેટ

વોશિંગ્ટન : વિશ્વ અત્યારે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે પ્રશ્ન - 'ઈરાન-ઈઝરાયલ યુદ્ધ ક્યારે પૂરું થશે?' - તેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ મૌન તોડ્યું છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ઈરાન પર કરાયેલા ભીષણ હુમલા અને ઈરાની સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મોતના સમાચાર બાદ આખું મધ્ય પૂર્વ સળગી રહ્યું છે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ સંઘર્ષ લાંબો નહીં ચાલે.
૪ થી ૫ અઠવાડિયાનો 'ડેડલાઇન' પ્લાન
ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, "અમારી યોજના આ ઓપરેશનને ૪ થી ૫ અઠવાડિયામાં પૂર્ણ કરવાની છે. જો જરૂર પડશે તો થોડો સમય વધી શકે છે, પરંતુ અમેરિકા અને ઈઝરાયલ પાસે એટલો દારૂગોળો છે કે આ જંગ અમારા માટે બહુ મુશ્કેલ નહીં હોય." ટ્રમ્પે સ્વીકાર્યું કે આ લડાઈમાં ત્રણ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા છે, જે દુઃખદ છે, પરંતુ લક્ષ્ય હાંસલ ન થાય ત્યાં સુધી પીછેહઠ નહીં થાય.
ઝડપી અને નિર્ણાયક જંગ: નેતન્યાહૂ
બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ફોક્સ ન્યૂઝ પર નિવેદન આપ્યું કે, "આ કોઈ અંતહીન યુદ્ધ (Endless War) નથી. અમે તેને વર્ષો સુધી ખેંચવા નથી માંગતા. આ એક ઝડપી અને નિર્ણાયક હુમલો છે જે થોડા જ અઠવાડિયામાં ઈરાનની કમર તોડી નાખશે." ઇઝરાયલી સૈન્યના મતે, હાલમાં જમીની દળો (Ground Forces) ઉતારવાની કોઈ યોજના નથી, માત્ર હવાઈ હુમલાઓથી જ ઈરાની સૈન્ય માળખાને નેસ્તનાબૂદ કરવામાં આવશે.
ભારતની ચિંતા: પીએમ મોદી એક્શન મોડમાં
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવને જોતા ભારત સરકાર પણ સતર્ક થઈ છે. વિદેશ મંત્રાલયે મંગળવારે તમામ પક્ષોને 'ડી-એસ્કેલેશન' એટલે કે તણાવ ઓછો કરવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે. ભારત માટે ચિંતાનો વિષય ખાડી દેશોમાં રહેતા લાખો ભારતીયો અને સમુદ્રી માર્ગે થતો વેપાર છે. વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓની નિંદા કરતા ભારતે સ્પષ્ટ કર્યું કે ભારતીય નાગરિકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ઈરાનનો વળતો પ્રહાર
ખામેનીના મૃત્યુ બાદ ઈરાને કુવૈત, કતાર, UAE અને જોર્ડનમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે. ઈરાની મિસાઈલોના કારણે આખા ગલ્ફ ક્ષેત્રમાં ભયનો માહોલ છે. યુદ્ધની આ આગ ભારત સુધી આર્થિક રીતે પહોંચી શકે છે, કારણ કે તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની દહેશત છે.
આગામી થોડા અઠવાડિયા નક્કી કરશે કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ જશે કે શાંતિ સ્થાપિત થશે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
