News of Tuesday, 3rd March 2026
વફાદારીની અનોખી મિશાલ: UPના ૨૪ ગામોમાં હોળીના દિવસે રંગો નહીં પણ 'શોક' મનાવાય છે! જાણો ૨૦૦ વર્ષ જૂની એ વાત, જેના કારણે આજે પણ લોકો ગુલાલને અડતા નથી
માલિકનો જીવ બચાવવા સેવક બૈજુએ આપ્યું હતું બલિદાન: ધુળેટીના દિવસે આખું ગામ પાળે છે મૌન, બીજા દિવસે રમાય છે 'બૈજ કી હોળી' – પરંપરા અને ફરજની ભાવુક કરી દેતી કહાની

કૌશામ્બી : ભારત ભલે વિવિધતાઓનો દેશ હોય, પણ ઉત્તર પ્રદેશના કૌશામ્બી અને ચિત્રકૂટની સરહદ પર વસેલા ૨૪ ગામોની હોળી આખી દુનિયા કરતા સાવ જુદી છે. જ્યારે સમગ્ર દેશમાં ધુળેટીના દિવસે અબીર-ગુલાલની છોળો ઉડતી હોય અને ઢોલ-નગારા ગુંજતા હોય, ત્યારે યમુનાના કિનારે આવેલા આ ગામોમાં સ્મશાન જેવી શાંતિ છવાયેલી હોય છે. આ દિવસે ન તો કોઈ રંગ રમે છે, ન તો કોઈ ઉત્સવ મનાવે છે.
બૈજુનું બલિદાન અને માલિકનું વચન
આ પરંપરા પાછળ ૨૦૦ વર્ષ જૂની એક હૃદયસ્પર્શી ઘટના છુપાયેલી છે. જમીનદારી પ્રથાના સમયમાં બેરૌંચા ગામના જમીનદાર પર જંગલમાં એક હિંસક પ્રાણીએ જીવલેણ હુમલો કર્યો હતો. તે સમયે જમીનદારના વફાદાર સેવક બૈજુએ પોતાના જીવની પરવા કર્યા વગર પ્રાણી સાથે બાથ ભીડી હતી. બૈજુએ માલિકનો જીવ તો બચાવી લીધો, પરંતુ પોતે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
પોતાના અંતિમ શ્વાસ ગણતી વખતે જ્યારે માલિકે તેની છેલ્લી ઈચ્છા પૂછી, ત્યારે બૈજુએ કહ્યું હતું, "માલિક, મારી ઈચ્છા છે કે હોળીના દિવસે તમે મારા નામે શોક મનાવજો, જેથી દુનિયાને યાદ રહે કે એક નોકરે પોતાની ફરજ માટે બલિદાન આપ્યું હતું." જમીનદારે આપેલું એ વચન આજે ૨૦૦ વર્ષ પછી પણ આ ૨૪ ગામોના લોકો પવિત્રતાથી પાળી રહ્યા છે.
'બૈજાલા': મૌન અને મર્યાદાનો દિવસ
ધુળેટીના દિવસને આ ગામોમાં 'બૈજાલા' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે શેરીઓ ઉજ્જડ હોય છે, બાળકો રંગોથી દૂર રહે છે અને વડીલો ચોપાલમાં બેસીને ગંભીર મુદ્રામાં બૈજુની યાદ તાજી કરે છે. ગામમાં ઢોલનો એક ધબકાર પણ સંભળાતો નથી. વહીવટીતંત્રની દેખરેખ હેઠળ આ પરંપરા ખૂબ જ શિસ્તબદ્ધ રીતે પાળવામાં આવે છે.
બીજા દિવસે ખીલે છે 'બૈજ કી હોળી'
પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. બૈજુ પ્રત્યેનો શોક પૂર્ણ થયા બાદ, બીજા દિવસે એટલે કે ભાઈબીજના સૂર્યોદય સાથે જ આખું ગામ રંગોમાં ન્હાઈ ઉઠે છે. તેને 'બૈજ કી હોળી' કહેવામાં આવે છે. આ દિવસે ઢોલ-નગારા સાથે લોકગીતો ગવાય છે, પકવાનો બને છે અને અબીર-ગુલાલની એવી હોળી રમાય છે કે જાણે બલિદાનની યાદ અને જીવનનો ઉત્સવ એકાકાર થઈ ગયા હોય.
નવી પેઢી માટે આ માત્ર એક તહેવાર નથી, પણ વચન, વફાદારી અને બલિદાનનો જીવતો જાગતો વારસો છે. યમુનાના નીર સાક્ષી છે કે કાળ ભલે બદલાયો હોય, પણ બૈજુ પ્રત્યેનો આદર આજે પણ અકબંધ છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
