<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

અમેરિકાનો 'મિડનાઈટ હેમર' પ્રહાર: ટ્રમ્પના લક્ષ્ય પર હવે ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે દુનિયા સમક્ષ જાહેર કર્યો ખતરનાક પ્લાન!

તેહરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકવા માટે નિર્ણાયક જંગની તૈયારી: "ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં હોય", જે.ડી. વાન્સે ઈન્ટરવ્યુમાંઅમેરિકાની સૈન્ય તાકાતનો પરચો બતાવ્યો - જાણો શું છે ટ્રમ્પની નવી વ્યૂહરચના

વોશિંગ્ટન: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવની વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શક્તિ બનતા અટકાવવું જ પડશે. વાન્સે 'ઓપરેશન મિડનાઈટ હેમર' નો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઉનાળા દરમિયાન અમેરિકાએ ઈરાનની યુરેનિયમ સંવર્ધન સુવિધાઓને ભારે નુકસાન પહોંચાડીને તેહરાનને મોટો ઝટકો આપ્યો છે.
ઉપરાષ્ટ્રપતિએ સ્પષ્ટ કર્યું કે મહિનાઓ સુધી ચાલેલી રાજદ્વારી કોશિશો અને લાંબી વાટાઘાટો છતાં ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડવા તૈયાર નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે હવે સમય ઓછો છે અને માત્ર 'નિર્ણાયક સૈન્ય કાર્યવાહી' જ ઈરાનને પરમાણુ બોમ્બ વિકસાવતા રોકી શકે છે. વાન્સે ભારપૂર્વક કહ્યું કે ટ્રમ્પ સરકારનો ધ્યેય માત્ર કામચલાઉ પ્રતિબંધો નથી, પણ ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન બનાવી શકે તેવી લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોની કડક કાર્યવાહીની ટિપ્પણીને સમર્થન આપતા વાન્સે કહ્યું કે, અમેરિકા પાસે એવી મિસાઈલ શક્તિ છે જે ઈરાનના પરમાણુ મથકો અને લશ્કરી અડ્ડાઓને પલકવારમાં નેસ્તનાબૂદ કરી શકે છે. જોકે, તેમણે એમ પણ ઉમેર્યું કે ટ્રમ્પ અમેરિકાને અફઘાનિસ્તાન કે ઈરાક જેવા વર્ષો સુધી ચાલતા નિરર્થક યુદ્ધોમાં ધકેલવા માંગતા નથી. વર્તમાન વ્યૂહરચના એકદમ સ્પષ્ટ, ચોક્કસ અને મર્યાદિત છે: "ઈરાન પાસે પરમાણુ બોમ્બ ન હોવો જોઈએ."
જ્યારે વાન્સને તેહરાનમાં 'શાસન પરિવર્તન' વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે મુત્સદ્દીગીરીથી જવાબ આપ્યો કે, મૈત્રીપૂર્ણ સરકારનું સ્વાગત છે, પરંતુ રાષ્ટ્રપતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય શાસન બદલવાનો નથી. તેમનો એકમાત્ર એજન્ડા ઈરાની સરકારની પરમાણુ ક્ષમતાઓને કાયમી ધોરણે ખતમ કરવાનો છે, જેથી વિશ્વ અને અમેરિકાના સૈનિકો પરનું જોખમ ટળી શકે.
આ નિવેદન બાદ હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની છે, કારણ કે અમેરિકા હવે સીધી સૈન્ય કાર્યવાહીના માર્ગે આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે.

(9:50 PM IST)