<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

યુદ્ધના નગારા વાગ્યા પણ દુબઈ 'કૂલ': ઈરાની હુમલાઓના ખૌફ વચ્ચે પ્રોટોકોલ તોડીને મોલમાં ફરવા નીકળ્યા UAE ના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ, જનતા સાથે પડાવ્યા ફોટા!

ચારેબાજુ મિસાઈલોનો વરસાદ અને આકાશમાં યુદ્ધ વિમાનોની ગર્જના છતાં દુબઈ મોલમાં સામાન્ય નાગરિકની જેમ વિચરતા દેખાયા શેખ મોહમ્મદ: ફફડાટ વચ્ચે દુનિયાને આપ્યો 'ઓલ ઈઝ વેલ'નો મજબૂત સંદેશ - જુઓ વાયરલ વિડીયોની વિગતો

દુબઈ: મધ્ય પૂર્વમાં અત્યારે લોહીલુહાણ જંગ ખેલાઈ રહ્યો છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાવ્યો છે. ગમે ત્યારે ગમે ત્યાં મિસાઈલ ત્રાટકી શકે તેવી દહેશત વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ટોચના નેતાઓએ જે કર્યું છે, તેની અત્યારે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. જ્યારે દુનિયાના અન્ય નેતાઓ બંકરોમાં ભરાઈ રહ્યા છે, ત્યારે UAE ના રાષ્ટ્રપતિ અને દુબઈના ક્રાઉન પ્રિન્સ કોઈ પણ જાતના ડર વિના સામાન્ય જનતાની વચ્ચે મોલમાં જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે, UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અને દુબઈના લોકપ્રિય ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન (ફઝ્ઝા) વિશ્વના સૌથી મોટા 'દુબઈ મોલ'માં લટાર મારી રહ્યા છે. આ એવો સમય છે જ્યારે ઈરાન પર સતત હુમલા થઈ રહ્યા છે અને પડોશી દેશોમાં હાઈ-એલર્ટ છે. છતાં, બંને નેતાઓ કોઈ ખાસ લશ્કરી કાફલા વિના ખરીદદારો અને પ્રવાસીઓ વચ્ચે ફરતા, હાથ મિલાવતા અને લોકો સાથે હસીને વાત કરતા નજરે પડ્યા હતા.
 દુબઈ મોલના ફૂડ કોર્ટમાં બંને નેતાઓએ સામાન્ય નાગરિકોની જેમ ભોજન લીધું હતું. મોલમાં હાજર લોકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે રાષ્ટ્રપતિ પોતે તેમની ટેબલ પાસે આવ્યા અને ખબર-અંતર પૂછ્યા. ઘણા પ્રવાસીઓએ તેમની સાથે સેલ્ફી લીધી અને સોશિયલ મીડિયા પર શેર કરી 'મજબૂત નેતૃત્વ'ના વખાણ કર્યા છે. સુરક્ષા વ્યવસ્થા હાજર હતી, પરંતુ વાતાવરણમાં ક્યાંય પણ યુદ્ધનો તણાવ જણાતો નહોતો.
રાજકીય વિશ્લેષકો આ ઘટનાને માત્ર એક મુલાકાત તરીકે નહીં, પણ એક મોટા 'વ્યૂહાત્મક સંદેશ' તરીકે જોઈ રહ્યા છે. UAE વહીવટીતંત્ર આ રીતે દુનિયાને બતાવવા માંગે છે કે તેમનો દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સુરક્ષા વ્યવસ્થા લોખંડી છે. જ્યારે રોકાણકારો અને પ્રવાસીઓમાં યુદ્ધના કારણે ડર હોય, ત્યારે દેશના વડાનું આ રીતે જાહેરમાં આવવું લોકોના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. UAE ના નેતાઓએ સાબિત કરી દીધું છે કે ગમે તેવી કટોકટીમાં પણ તેઓ પોતાની પ્રજાની સાથે છે અને દેશની સ્થિરતા અડીખમ છે

(9:50 PM IST)