<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મીડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની જ્વાળાઓ: ઈરાન દ્વારા દુબઈ, અબુ ધાબી, દોહા અને કુવૈત પર ફરીપ્રચંડ મિસાઈલ હુમલા: ન્યુઝ ફર્સ્ટ

અખાતના દેશોમાં હાઈ એલર્ટ: અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર, આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સેવાઓ અને વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ

નવી દિલ્હી: મીડલ ઇસ્ટ - મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. ઈરાને સોમવાર અને મંગળવારની વહેલી સવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), કતાર અને કુવૈતના મુખ્ય શહેરોને નિશાન બનાવીને સેંકડો મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. આ હુમલા અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા 'ઓપરેશન એપિક ફ્યુરી'ના જવાબમાં કરવામાં આવ્યા હોવાનું મનાય છે, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખમેની માર્યા ગયેલ. દુબઈ, અબુ ધાબી અને દોહામાં અનેક વિસ્ફોટોના અવાજ સાંભળવા મળ્યા છે, જેના કારણે આખા ક્ષેત્રમાં ભયનો માહોલ છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે 'શહેરોના યુદ્ધ'માં ફેરવાઈ ગયો છે. ન્યૂઝ ફર્સ્ટ અને આંતરરાષ્ટ્રીય મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે સીએનએન અને બીબીસીના અહેવાલો મુજબ, ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો અને આર્થિક કેન્દ્રો પર ભીષણ બોમ્બમારો શરૂ કર્યો છે. દુબઈ, અબુ ધાબી, દોહા અને કુવૈત સિટીમાં મધરાતે આકાશ મિસાઈલોના અજવાળાથી ભરાઈ ગયું હતું અને અનેક પ્રચંડ વિસ્ફોટોથી ધરતી ધ્રૂજી ઉઠી હતી.
અમેરિકાએ તેના બિન-જરૂરી સરકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી યુએઈ અને અન્ય ખાડી દેશો છોડી દેવાનો આદેશ આપ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાઓને કાયરતાપૂર્ણ ગણાવ્યા છે અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી આપી છે. આ યુદ્ધની અસરથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં તોતિંગ ઉછાળો આવ્યો છે અને સોનાના ભાવમાં પણ મોટો વધારો જોવા મળ્યો છે. વિશ્વના તમામ દેશો અત્યારે અત્યંત સાવચેતીપૂર્વક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ડીએક્સબી) ને હાલમાં તમામ ઉડ્ડયન સેવાઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે.
દોહા, કુવૈત અને બહેરીન પર અસર
કતારની રાજધાની દોહામાં આવેલા અલ ઉદેદ એર બેઝને નિશાન બનાવીને ઈરાને અંદાજે ૬૫ મિસાઈલો છોડી હતી. કુવૈતમાં અલી અલ સાલેમ એર બેઝ અને કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે પણ મોટા ધડાકા સંભળાયા છે.

(10:56 PM IST)