<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

નેપાળ સરહદના ગાઢ જંગલોમાં ખેલાયો મોતનો ખૂની ખેલ: ૧૪ દિવસથી ગુમ BKU મહિલા નેતાના શરીરના ટુકડા મળતા ખળભળાટ, સ્નિફર ડોગની મદદથી હાડપિંજર અને બળી ગયેલી સાડી કબજે

ભારતીય કિસાન યુનિયનની મહિલા પાંખના જિલ્લા પ્રમુખ આંચલ મિશ્રાની કરુણ હત્યા? કાકરદારીના જંગલમાં વેરવિખેર હાલતમાં મળ્યા શરીરના અંગો, પતિએ જૂતા અને પર્સ પરથી કરી ઓળખ - જાણો શું છે સમગ્ર રહસ્ય

શ્રાવસ્તી : ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં નેપાળ સરહદ નજીક આવેલા કાકરદારીના ગાઢ જંગલોમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. છેલ્લા ૧૪ દિવસથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થયેલા ભારતીય કિસાન યુનિયન (અરાજકીય) મહિલા પાંખના જિલ્લા પ્રમુખ આંચલ મિશ્રાના શરીરના અવશેષો અલગ-અલગ જગ્યાએથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.
મીટિંગમાં ગયા બાદ ક્યારેય પરત ન ફર્યા
માલ્હીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બાંસગઢી ગામના રહેવાસી આંચલ મિશ્રા ગત ૧૭ ફેબ્રુઆરીએ ભીંગામાં આયોજિત એક સંગઠનની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. આ મીટિંગ બાદ તેઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી છતાં કોઈ પતો ન લાગતા, તેમના પતિ સંતોષ મિશ્રાએ ૧૯ ફેબ્રુઆરીએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી પોલીસ અને પરિવાર તેમની શોધમાં હતા.
જંગલમાંથી મળી આવ્યા શરીરના વિભિન્ન અંગો
મંગળવારે પોલીસને માહિતી મળી હતી કે કાકરદારીના જંગલમાં માનવ અવશેષો પડ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી હતી. જંગલના ઊંડાણવાળા ભાગમાં સર્ચ ઓપરેશન દરમિયાન આંચલના જૂતા, મોજાં, અડધી બળી ગયેલી સાડી, પર્સ અને તૂટેલી બંગડીઓ મળી આવી હતી. વધુ તપાસ કરતા ત્યાં માનવ જડબું અને હાડકાં પણ મળી આવ્યા હતા.
SSB સ્નિફર ડોગ અને ફોરેન્સિક તપાસ
ઘટનાસ્થળ નેપાળ સરહદની નજીક હોવાથી SSB (સશસ્ત્ર સીમા બલ) ના જવાનો પણ સ્નિફર ડોગ સાથે તપાસમાં જોડાયા હતા. ટ્રેકર ડોગની મદદથી જંગલના જુદા જુદા ખૂણામાંથી માનવ માથું, કરોડરજ્જુ અને પગના હાડકાં એકત્ર કરવામાં આવ્યા હતા. આંચલના પતિએ સ્થળ પર મળી આવેલા પર્સ અને કપડાં પરથી પુષ્ટિ કરી હતી કે આ અવશેષો તેમની પત્નીના જ છે.
હત્યા કે બીજું કંઈ? પોલીસ માટે મોટો પડકાર
આંચલ મિશ્રાના શરીરના અંગો જે રીતે વેરવિખેર હાલતમાં મળ્યા છે અને સાડી બળેલી હાલતમાં છે, તે જોતા આ કોઈ ક્રૂર હત્યા હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. જોકે, જંગલી પ્રાણીઓએ પણ મૃતદેહને નુકસાન પહોંચાડ્યું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ઈન્સ્પેક્ટર મહેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે, અવશેષોને પોસ્ટમોર્ટમ અને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. પરિવાર તરફથી સત્તાવાર ફરિયાદ મળ્યા બાદ હત્યા સહિતની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ તેજ કરવામાં આવશે.
એક મહિલા નેતાની આ પ્રકારે લાશ મળતા ખેડૂત સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને સત્વરે પકડવાની માંગ ઉઠી રહી છે.

(9:41 PM IST)