News of Tuesday, 3rd March 2026
પહેલગામ નરસંહારનું 'ચાઇનીઝ કનેક્શન' ઉકેલવા NIA મેદાનમાં: આતંકીઓના GoPro કેમેરાનું રહસ્ય ખોલવા ચીન પાસે માંગી મદદ, ૨૬ નિર્દોષોના લોહીનો હિસાબ થશે!
શ્રીનગરથી ડોંગગુઆન સુધી લંબાયા તપાસના તાર: હુમલાના ૧ વર્ષ પહેલા ચીનમાં એક્ટિવ થયો હતો આતંકીઓનો કેમેરો, ૨૨ એપ્રિલના કાળા દિવસનું સત્ય જાણવા ભારતની ડ્રેગન દેશને 'ન્યાયિક વિનંતી' - જાણો શું છે આખું ષડયંત્ર

શ્રીનગર : ૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ કાશ્મીરના પહેલગામમાં થયેલા એ ભયાનક આતંકવાદી હુમલાના ઘા હજુ રૂઝાયા નથી, જેમાં ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. હવે આ કેસની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ હુમલાખોરોના 'ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ' શોધવા માટે ચીન પાસે કાનૂની મદદ માંગી છે. આતંકવાદીઓએ હુમલાના પ્લાનિંગ અને રેકી માટે જે GoPro Hero 12 Black કેમેરાનો ઉપયોગ કર્યો હતો, તેની કુંડળી કાઢવા માટે ભારત સરકાર હવે ચીનના ન્યાયિક અધિકારીઓનો સંપર્ક કરી રહી છે.
ચીનના ડોંગગુઆન શહેર સાથે જોડાયેલા છે તાર
તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘાતક હુમલામાં વપરાયેલો GoPro કેમેરો ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ ચીનના ઔદ્યોગિક શહેર ડોંગગુઆનમાં સક્રિય (Activate) કરવામાં આવ્યો હતો. NIA ને શંકા છે કે આ કેમેરો ચીનની 'AE ગ્રુપ ઇન્ટરનેશનલ લિમિટેડ' દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. આ કેમેરાના માધ્યમથી આતંકવાદીઓએ હુમલાના સ્થળની ભૌગોલિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની વિગતો મેળવી હતી. હવે ભારત એ જાણવા માંગે છે કે આ કેમેરો કોણે ખરીદ્યો હતો અને તે આતંકવાદીઓ સુધી કેવી રીતે પહોંચ્યો.
કોર્ટની મંજૂરી અને LR જારી કરવાની પ્રક્રિયા
જમ્મુની વિશેષ અદાલતે ૨ માર્ચના રોજ NIA ને ચીન પાસેથી ન્યાયિક સહાય મેળવવા માટે 'લેટર ઓફ રિક્વેસ્ટ' (LR) જારી કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયે પણ આ બાબતે લીલી ઝંડી આપી દીધી છે. LR એ એક એવી રાજદ્વારી પ્રક્રિયા છે જેના દ્વારા એક દેશની કોર્ટ બીજા દેશની કોર્ટને તપાસમાં સહયોગ આપવા વિનંતી કરે છે. જો ચીન આ માહિતી આપે, તો આતંકવાદી મોડ્યુલ અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતા સપોર્ટનો મોટો ખુલાસો થઈ શકે છે.
પહેલગામના ઘાસના મેદાનમાં ખેલાયો હતો મોતનો ખેલ
૨૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ બપોરે ૨ વાગ્યે પહેલગામથી પાંચ કિલોમીટર દૂર મનોહર બૈસરન મેદાનમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન 'ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ' (TRF) એ સ્વીકારી હતી. આ હુમલામાં નેપાળી નાગરિકો સહિત અનેક પ્રવાસીઓ શહીદ થયા હતા. આ હુમલા બાદ ઘાટીમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને દેશભરમાં પાકિસ્તાન વિરોધી દેખાવો થયા હતા.
NIA ની આ આક્રમક તપાસ હવે આતંકવાદીઓના આંતરરાષ્ટ્રીય નેટવર્કને તોડવા માટે માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. જો ચીન સહકાર આપે, તો આતંકવાદીઓના ફંડિંગ અને લોજિસ્ટિક સપોર્ટનું આખું માળખું ખુલ્લું પડી જશે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
