News of Tuesday, 3rd March 2026
દિલ્હીનું હૃદય 'સેન્ટ્રલ પાર્ક' ફૂલોની ખુશ્બૂથી મહેકી ઉઠ્યું: ૧૫,૫૦૦ કુંડા અને ૪૮ વિદેશી જાતોના સંગમ વચ્ચે CM રેખા ગુપ્તાએ કર્યું 'ફ્લાવર ફેસ્ટિવલ'નું ઉદ્ઘાટન!
હોળી પહેલા રાજધાનીમાં વસંતનો નજારો: ફૂલોથી કંડારાયેલા સિંહ, હાથી અને મોરના શિલ્પોએ જમાવ્યું આકર્ષણ - કાશ્મીર જેવા ટ્યૂલિપ્સ હવે દિલ્હીના આંગણે, પ્રવાસીઓ માટે બન્યું ફેવરિટ સેલ્ફી પોઈન્ટ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીના હૃદય સમાન કનોટ પ્લેસ (CP) માં આજથી પ્રકૃતિનો અદ્ભુત મહોત્સવ શરૂ થયો છે. NDMC દ્વારા આયોજિત ચાર દિવસીય 'ફ્લાવર ફેસ્ટિવલ'નું મંગળવારે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. સેન્ટ્રલ પાર્કમાં ડગલે ને પગલે પથરાયેલી ૪૮ વિવિધ જાતના ફૂલોની ચાદર અને હવામાં પ્રસરેલી સુગંધ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી રહી છે.
ફૂલોની દુનિયામાં વન્યજીવનનો સંગમ
આ વર્ષનો ઉત્સવ માત્ર ફૂલોનું પ્રદર્શન નથી, પણ કલા અને વન્યજીવનનું અનોખું મિશ્રણ છે. બાગાયત વિભાગના માળીઓએ પોતાની કુશળતાથી ગલગોટા, ગુલાબ અને ડાહલીયા જેવા ફૂલોનો ઉપયોગ કરીને વિશાળ કદના પ્રાણીઓના શિલ્પો તૈયાર કર્યા છે. પાર્કમાં પ્રવેશતા જ ફૂલોથી બનેલો કળા કરતો મોર, લાંબી ડોકવાળું જિરાફ, દોડતો ઘોડો અને ગર્જના કરતો સિંહ જીવંત ભાસે છે. ખાસ કરીને બાળકો અને યુવાનો આ ફૂલોના "હાથી" અને "સિંહ" સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે.
૪૮ જાતો અને ૧૫,૫૦૦ થી વધુ કુંડા
મેળામાં ૧૮ થીમ-આધારિત વિભાગો બનાવવામાં આવ્યા છે, જેમાં ૧૫,૫૦૦ થી વધુ કુંડાઓમાં ૪૮ પ્રજાતિના છોડ પ્રદર્શિત કરાયા છે. પેટુનિયા, પેન્સી, સાલ્વીયા અને મેરીગોલ્ડના મનમોહક રંગો ઉદ્યાનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "એક સમય હતો જ્યારે ટ્યૂલિપ્સ જોવા માટે લોકોએ કાશ્મીર જવું પડતું હતું, પરંતુ આજે NDMC ના પ્રયાસોથી દિલ્હીવાસીઓ પોતાના આંગણે આ નજારો માણી રહ્યા છે."
બાગકામના રસિયાઓ માટે સુવર્ણ તક
આ મહોત્સવ ૩ માર્ચથી ૬ માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ફૂલો જોવા સિવાય અહીં નર્સરી છોડ, બોંસાઈ, થોર (Cactus), હર્બલ છોડ અને હાઇડ્રોપોનિક્સના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. શહેરીજનો અહીંથી ઉચ્ચ ગુણવત્તાના બીજ, કુંડા, ખાતર અને બાગકામના આધુનિક સાધનોની ખરીદી પણ કરી શકશે.
NDMC ચેરમેન કેશવ ચંદ્રા અને વાઇસ ચેરમેન કુલજીત સિંહ ચહલની હાજરીમાં શરૂ થયેલો આ ઉત્સવ દિલ્હીની ભાગદોડ ભરી જિંદગીમાં કુદરતી શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે. જો તમે પણ ફૂલોના શોખીન હોવ, તો આ 'સેલ્ફી ફેસ્ટિવલ'ની મુલાકાત લેવાનું ચૂકતા નહીં!
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
