News of Tuesday, 3rd March 2026
યુદ્ધના મેદાનથી દૂર હોવા છતાં ભારતને લાગ્યો 'આર્થિક કરંટ': માત્ર ૪ દિવસના જંગમાં દેશને ₹૨,૦૦૦ કરોડનું આંધણ, વધતા તેલના ભાવ અને નબળા રૂપિયાએ વધારી ચિંતા!
મેદાનમાં ઉતર્યા વિના પણ ભારત ચૂકવી રહ્યું છે ભારે કિંમત: દરરોજ ૫ મિલિયન બેરલ તેલની આયાત પર વધારાનો બોજ, ડોલર સામે રૂપિયો ઘસાતા મોંઘવારીનો ભય - જાણો કેવી રીતે મધ્ય પૂર્વની અસ્થિરતા આપણા ખિસ્સા કાતરે છે

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં ભભૂકેલી ઈરાન-ઇઝરાયલ યુદ્ધની જ્વાળાઓ હવે ધીરે ધીરે ભારતીય તિજોરીને પણ દઝાડી રહી છે. ભારત આ યુદ્ધમાં સીધી રીતે સામેલ નથી, તેમ છતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો અને ડોલરના મુકાબલે રૂપિયાના સતત અવમૂલ્યનને કારણે દેશે માત્ર ચાર દિવસમાં અંદાજે ₹૨,૦૦૦ કરોડનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડ્યો છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૮૦% થી વધુ ક્રૂડ ઓઈલ વિદેશથી મંગાવે છે. અત્યારે ભારત દરરોજ આશરે ૫ મિલિયન બેરલ તેલની આયાત કરે છે. જો તેલના ભાવમાં પ્રતિ બેરલ માત્ર ₹૧૦નો પણ વધારો થાય, તો દેશને રોજના ₹૫૦ મિલિયન (૫ કરોડ) ડોલર વધુ ચૂકવવા પડે. જો આપણે એક ડોલરની કિંમત ₹૯૧ ગણીએ, તો ભારતને દરરોજ ₹૪૫૫ કરોડનું વધારાનું નુકસાન થઈ રહ્યું છે. આ હિસાબે માત્ર ચાર દિવસમાં જ તેલ પાછળનો ખર્ચ ₹૧,૮૦૦ કરોડને વટાવી ગયો છે.
તેલના ભાવ વધવાની સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાની સ્થિતિ પણ કથળી છે. ભારતનું વાર્ષિક તેલ આયાત બિલ અંદાજે ₹૧૬૦ અબજ ડોલર છે. નિષ્ણાતોના મતે, જો ડોલર સામે રૂપિયો માત્ર ₹૧ પણ નબળો પડે, તો ભારત સરકાર પર વાર્ષિક ₹૧૬,૦૦૦ કરોડનો વધારાનો બોજ પડે છે. છેલ્લા ચાર દિવસમાં રૂપિયાના ઘટાડાને કારણે દેશને રોજના ₹૪૪ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
આર્થિક નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલ્યો તો ભારતની સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. આયાત મોંઘી થવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે, જેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી અને અનાજના ભાવ પર પડશે. વધુમાં, દરિયાઈ માર્ગોમાં વધતી અનિશ્ચિતતાને કારણે નિકાસકારોને પણ માલ મોકલવામાં મુશ્કેલી પડી રહી છે, જે આર્થિક વિકાસ દરને ધીમો પાડી શકે છે.
ભારત માટે હવે મોટો પડકાર તેલ પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોતો શોધવાનો છે. સરકારે તેના 'સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ' (વ્યૂહાત્મક સંગ્રહ) પર ધ્યાન આપવું પડશે અને ચલણને સ્થિર રાખવા માટે આરબીઆઈએ દરમ્યાનગીરી કરવી પડી શકે છે. યુદ્ધ ભલે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હોય, પણ તેની સાચી કિંમત અત્યારે ભારત જેવા આયાત નિર્ભર દેશો ચૂકવી રહ્યા છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
