<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈઝરાયેલ અને અમેરિકાના તેહરાન પર ભીષણ હવાઈ હુમલા: મેહરાબાદ એરપોર્ટ પર પેસેન્જર વિમાન ફૂંકી માર્યું

ઈઝરાયેલ દ્વારા ઉત્તરી ઈરાનમાં આવેલા ગુપ્ત "મિન-ઝાદાઈ" કમ્પાઉન્ડને નિશાન બનાવવાની જાહેરાત કરવામાં આવી: આ ગુપ્ત કમ્પાઉન્ડનો ઉપયોગ ઈરાની શાસન દ્વારા પરમાણુ શસ્ત્રો માટેના મુખ્ય ઘટકો વિકસાવવા માટે કરવામાં આવતો હતો

ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત સૈન્ય દળોએ ઈરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં મેહરાબાદ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં ગ્રાઉન્ડ પર ઉભેલું એક નાગરિક એરબસ એ-૩૧૯ વિમાન સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ હુમલાથી ઈરાનની ન્યુક્લિયર ક્ષમતાઓ પર પણ મોટો ફટકો પડ્યો હોવાનું મનાય છે.

મધ્ય પૂર્વમાં યુદ્ધની જ્વાળાઓ વધુ તેજ બની છે. ઈઝરાયેલ એરફોર્સ અને અમેરિકી દળોએ ઈરાનના વ્યૂહાત્મક સ્થાનો પર મોટો હુમલો કર્યો છે. ખાસ કરીને તેહરાનનું વ્યસ્ત મેહરાબાદ એરપોર્ટ આ હુમલાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. 
અહેવાલો અનુસાર, એરપોર્ટ પર ઉભેલું સિવિલિયન પેસેન્જર એરબસ એ-૩૧૯ વિમાન બોમ્બમારોને કારણે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે ઈઝરાયેલ દ્વારા ઉત્તરી ઈરાનમાં આવેલા ગુપ્ત "મિન-ઝાદાઈ" કમ્પાઉન્ડને નિશાન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઈઝરાયેલના સૈન્ય સૂત્રો અને આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ ગુપ્ત કમ્પાઉન્ડનો ઉપયોગ ઈરાની શાસન દ્વારા પરમાણુ શસ્ત્રો માટેના મુખ્ય ઘટકો વિકસાવવા માટે કરવામાં આવતો હતો. મિલિટરી ઈન્ટેલિજન્સ લાંબા સમયથી અહીં કામ કરતા વૈજ્ઞાનિકોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. 
એવું માનવામાં આવે છે કે આ હુમલાનો હેતુ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને પાછળ ધકેલવાનો છે. તેહરાન પર થયેલા આ સીધા પ્રહારો બાદ ઈરાન તરફથી પણ વળતા હુમલાની ચીમકી આપવામાં આવી છે.
 વૈશ્વિક નેતાઓએ આ ગંભીર પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને સંયમ રાખવાની અપીલ કરી છે. જોકે, અમેરિકા અને ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. હાલમાં તેહરાન અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.

(12:52 AM IST)