<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ક્રિકેટના ભગવાનના આંગણે શરણાઈઓના સૂર: અર્જુન તેંડુલકર અને સાનિયાની મહેંદી સેરેમનીમાં સિતારાઓનો મેળાવડો

માસ્ટર બ્લાસ્ટરના લાડકવાડા અર્જુનના લગ્ન પૂર્વેની વિધિઓનો મુંબઈમાં ધમધમાટ, મહેંદી સેરેમનીમાં સારા તેંડુલકરના ગ્લેમરસ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ; 5 માર્ચે ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી સાનિયા સાથે પ્રભુતામાં પગલાં પાડશે

મુંબઈ: ભારતીય ક્રિકેટના આરાધ્ય દેવ સચિન તેંડુલકરના ઘરે અત્યારે ખુશીઓનો માહોલ છે, કારણ કે તેમનો પુત્ર અર્જુન તેંડુલકર 5 માર્ચે સાનિયા ચંડોક સાથે લગ્નગ્રંથિથી બંધાવા જઈ રહ્યો છે. રવિવાર, 3 માર્ચથી લગ્નના શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને ભવ્ય સમારોહનો પ્રારંભ થઈ ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર અત્યારે અર્જુન અને સાનિયાની મહેંદી સેરેમનીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં આ નવદંપતી એકબીજાના પ્રેમમાં ડૂબેલું જોવા મળી રહ્યું છે. જોકે, આ આખા ફંક્શનમાં સચિનની લાડલી સારા તેંડુલકરે પોતાના ટ્રેડિશનલ અને ગ્રેસફુલ લૂકથી તમામનું ધ્યાન ખેંચ્યું છે. મહેંદી સેરેમનીમાં તેંડુલકર પરિવારના હરખનો પાર નહોતો, જેના અનેક વીડિયો ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે.

આ હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારોહમાં માત્ર પરિવાર જ નહીં, પરંતુ ક્રિકેટ જગતના દિગ્ગજોએ પણ હાજરી આપી છે. યુવરાજ સિંહ તેની પત્ની હેઝલ કીચ સાથે, ઝાહીર ખાન, ઈરફાન પઠાણ, રવિ શાસ્ત્રી અને અજીત અગરકર જેવા સ્ટાર્સે મહેંદીની રંગત વધારી હતી. અગાઉ પ્રિ-વેડિંગ ઈવેન્ટમાં સચિન તેંડુલકર એક ભાવુક પિતા તરીકે જોવા મળ્યા હતા. તેમણે ભાવભરી સ્પીચ આપતા કહ્યું હતું કે, "જ્યારે દીકરો ઘરે કોઈ છોકરીનો પરિચય કરાવવા લાવે, ત્યારે અહેસાસ થાય છે કે તે મોટો થઈ ગયો છે. અર્જુન અને સાનિયા એકબીજાના પ્રેમમાં પાગલ છે અને મને ગર્વ છે કે અર્જુનને સાનિયા જેવી જીવનસંગિની મળી છે." સચિને આ લગ્ન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવોને રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું છે.

અર્જુન જેની સાથે સાત ફેરા લેવાનો છે તે સાનિયા ચંડોક મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘઈની પૌત્રી છે. ઘઈ પરિવાર મુંબઈના બિઝનેસ જગતમાં મોટું નામ ધરાવે છે, જેઓ પ્રતિષ્ઠિત ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને 'બ્રુકલિન ક્રીમરી' જેવી બ્રાન્ડના માલિક છે. સાનિયા પોતે એક ક્વોલિફાય પશુચિકિત્સા ટેકનિશિયન છે અને પ્રાણીઓ પ્રત્યે ખાસ લગાવ ધરાવે છે. અર્જુન અને સાનિયાની સગાઈ ઓગસ્ટ 2025માં એક ખાનગી સમારોહમાં થઈ હતી. આ જોડાણથી ક્રિકેટ અને બિઝનેસ જગતના બે મોટા પરિવારો હવે એક થવા જઈ રહ્યા છે. લગ્ન બાદ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન યોજાય તેવી પણ શક્યતા છે જેમાં બોલિવૂડ અને રાજકારણના માંધાતાઓ ઉમટી પડશે.

વ્યવસાયિક રીતે જોઈએ તો, 25 વર્ષીય અર્જુન તેંડુલકર તેના પિતાના પગલે ચાલીને ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે. તે હાલમાં ગોવાની ટીમ તરફથી ઘરેલું ક્રિકેટ રમી રહ્યો છે. અર્જુને અત્યાર સુધીમાં 17 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 37 વિકેટ ઝડપવા સાથે 532 રન પણ બનાવ્યા છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ડેબ્યુ કરનાર અર્જુને શોર્ટ ફોર્મેટમાં પણ પોતાની ઓલરાઉન્ડ ક્ષમતા સાબિત કરી છે. એક તરફ અર્જુનની ક્રિકેટ કરિયર આકાર લઈ રહી છે, તો બીજી તરફ તે પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. ચાહકો હવે 5 માર્ચના લગ્નની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

(10:39 AM IST)