News of Wednesday, 4th March 2026
અમેરિકાના ઈરાન પરના હુમલા પાછળ ભારત-ચીનને રોકવાનું ષડયંત્ર? તેહરાને વિસ્ફોટક દાવો કરતા મચ્યો ખળભળાટ
ભારતમાં ઈરાની પ્રતિનિધિ અબ્દુલ મજીદનો સનસનીખેજ આરોપ: વોશિંગ્ટન પોતાનું એકહથ્થુ વર્ચસ્વ જાળવી રાખવા એશિયાની ઉભરતી મહાસક્તિઓને યુદ્ધની આગમાં હોમી આર્થિક રીતે પાયમાલ કરવા માંગે છે

નવી દિલ્હી/તેહરાન: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત લશ્કરી હુમલાઓએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ બંને પક્ષો વચ્ચે યુદ્ધ ચરમસીમાએ છે, ત્યારે ઈરાને આ સંઘર્ષ પાછળ એક અત્યંત ગંભીર અને વ્યૂહાત્મક ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. ભારતમાં ઈરાનના ખાસ પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું છે કે, અમેરિકાનું અસલી નિશાન માત્ર ઈરાન નથી, પરંતુ ભારત અને ચીન જેવી ઉભરતી મહાસક્તિઓ છે. ઈરાનના મતે, વોશિંગ્ટન સારી રીતે જાણે છે કે ભવિષ્યમાં ભારત અને ચીન વિશ્વના શક્તિશાળી દેશો તરીકે ઉભરશે, તેથી તેમના પ્રભુત્વને તોડવા માટે અમેરિકાએ જાણીજોઈને આ યુદ્ધ ભડકાવ્યું છે.
અબ્દુલ મજીદ ઈલાહીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમેરિકા વિશ્વમાં 'મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડર' એટલે કે બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાનો વિરોધ કરી રહ્યું છે. જો ભારત અને ચીન શક્તિશાળી બનશે, તો અમેરિકાનું એકચક્રી શાસન સમાપ્ત થઈ જશે, અને આ જ ડરથી તે એશિયામાં અસ્થિરતા પેદા કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા નથી ઈચ્છતું કે ભારત કે ચીન તેની સમકક્ષ ઊભા રહે. આથી, તેહરાનને નિશાન બનાવીને તે સમગ્ર પ્રદેશની આર્થિક ગતિવિધિઓ અને સપ્લાય ચેઈનને અસર પહોંચાડવા માંગે છે, જેની સીધી માઠી અસર ભારત અને ચીનના અર્થતંત્ર પર પડી શકે છે. આ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ચર્ચા છેડી દીધી છે કે શું ખરેખર પશ્ચિમ એશિયાનું યુદ્ધ એશિયાઈ શક્તિઓને રોકવાનો એક ભાગ છે?
યુદ્ધની શરૂઆત અંગે સ્પષ્ટતા કરતા ઈરાની અધિકારીએ કહ્યું કે, આ સંઘર્ષ ઈરાને નથી છેડ્યો પરંતુ અમેરિકા અને ઈઝરાયેલે શરૂ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, "તેઓ અમારા નિર્દોષ નાગરિકો પર બોમ્બમારો કરી રહ્યા છે અને અમે માત્ર અમારો આત્મરક્ષણનો અધિકાર વાપરી રહ્યા છીએ. જો તેઓ હુમલા બંધ કરશે, તો અમે પણ યુદ્ધ વિરામ માટે તૈયાર છીએ." ઈરાને આડકતરી રીતે સંકેત આપ્યો છે કે તેઓ શાંતિ માટે તૈયાર છે, પરંતુ તે સાર્વભૌમત્વ અને સન્માનના ભોગે નહીં હોય. ઈરાન અત્યારે બે મોરચે લડી રહ્યું છે - એક સરહદ પર સૈન્ય જંગ અને બીજો વૈશ્વિક મંચ પર સોશિયલ મીડિયા અને મીડિયા દ્વારા ફેલાવવામાં આવતા 'ફેક ન્યૂઝ' સામેનો જંગ.
ઈલાહીએ પશ્ચિમી મીડિયા પર પ્રહારો કરતા કહ્યું કે, ઈરાનમાં શાસન પરિવર્તનની વાતો માત્ર પ્રોપેગેન્ડા છે અને ઈરાની જનતા પોતાના નેતૃત્વ સાથે મજબૂતીથી ઉભી છે. ભારત સાથેના ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરતા તેમણે આશા વ્યક્ત કરી હતી કે નવી દિલ્હી આ ભૌગોલિક-રાજકીય રમતને સમજશે. આ યુદ્ધ માત્ર તેલના ભાવ વધારા પૂરતું સીમિત નથી, પરંતુ તે વિશ્વની સત્તાના સંતુલનને બદલવાનો એક મોટો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે ભારત અને ચીન આ સનસનીખેજ દાવા પર કેવી પ્રતિક્રિયા આપે છે અને વૈશ્વિક મંચ પર આ યુદ્ધને રોકવા માટે કેવા મધ્યસ્થીના પ્રયાસો થાય છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
