<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

મિડલ ઈસ્ટની જંગમાં દીવના આશાસ્પદ યુવાનનો ભોગ: ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલામાં દિક્ષિત સોલંકીનું મોત

માતાના નિધનના એક મહિના બાદ જ પુત્રનું દરિયામાં કરુણ મોત, 21 ક્રૂ મેમ્બર્સનો બચાવ થયો પણ એન્જિન રૂમમાં રહેલા 25 વર્ષીય યુવાનને કાળ આંબી ગયો; દીવ અને મુંબઈમાં વસતા ખારવા સમાજમાં શોકની લહેર

દીવ/મુંબઈ: પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાએ હવે એક નિર્દોષ ભારતીય યુવાનનો ભોગ લીધો છે. ઓમાનના 'પોર્ટ સુલ્તાન કાબૂસ' નજીક સમુદ્રમાં પસાર થઈ રહેલા 'એમ.ટી. સ્કાયલાઈટ' નામના ઓઈલ ટેન્કર શિપ પર થયેલા ભયાનક મિસાઈલ હુમલામાં મૂળ દીવના 25 વર્ષીય દિક્ષિત અમરિક સોલંકીનું કરુણ મોત નીપજ્યું છે. આ હુમલો એટલો પ્રચંડ હતો કે શિપ પર વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. જે સમયે મિસાઈલ શિપ સાથે ટકરાઈ, તે જ સમયે દિક્ષિત એન્જિન રૂમમાં રીડિંગ લેવાની ફરજ બજાવી રહ્યો હતો, જેના કારણે તેને બચવાની તક મળી નહોતી. આ ઘટનાથી દીવના ભાવસારવાડા અને હાલ મુંબઈના કાંદિવલીમાં વસતા તેના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

આ ઘટનાની સૌથી કરુણ બાબત એ છે કે મૃતક દિક્ષિતના માતાનું માત્ર એક મહિના પહેલા જ અવસાન થયું હતું. હજુ તો પરિવાર માતાના વિયોગમાંથી બહાર પણ નહોતો આવ્યો ત્યાં વહાલસોયા જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા પરિવારજનો ભાંગી પડ્યા છે. અપરિણિત દિક્ષિત પરિવારનો મોટો આધાર હતો. શિપ પર કુલ 21 સભ્યો સવાર હતા, જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યુક્રેની નાગરિકનો સમાવેશ થાય છે. ચમત્કારિક રીતે અન્ય તમામ 20 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ કમનસીબે દિક્ષિત આ યુદ્ધખોરીનો ભોગ બની ગયો.

યુદ્ધની સ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય ક્રૂ મેમ્બરના મોતથી દરિયાઈ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. દીવ અને ધોધલાના ખારવા સમાજના અગ્રણીઓએ આ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. હાલમાં દિક્ષિતના પાર્થિવ દેહને ઓમાનથી મુંબઈ લાવવાની પ્રક્રિયા ભારત સરકાર અને શિપિંગ કંપનીના સંકલનથી ચાલી રહી છે. મુંબઈ સ્થિત તેના નિવાસસ્થાને પરિવાર અત્યારે આકરા આઘાતમાં છે અને સરકાર પાસે માંગ કરી રહ્યો છે કે નિર્દોષ ભારતીયો જે વિદેશમાં કમાવા ગયા છે તેમની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવે.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓને કારણે હવે ઓઈલ ટેન્કરો અને કાર્ગો શિપ પર જોખમ વધી ગયું છે. ભારત દુનિયાના અનેક દેશોને ક્રૂ મેમ્બર્સ પૂરા પાડે છે, ત્યારે આ યુદ્ધે હજારો ભારતીય ખલાસીઓના જીવ જોખમમાં મૂક્યા છે. દિક્ષિત સોલંકીના મોતે એ કડવું સત્ય સ્થાપિત કર્યું છે કે ભૌગોલિક-રાજકીય સંઘર્ષની કિંમત સામાન્ય પરિવારોના માસૂમ સભ્યોએ ચૂકવવી પડે છે. હવે સૌની નજર તેના અંતિમ સંસ્કાર અને સરકાર દ્વારા મળનારી સંભવિત સહાય પર ટકેલી છે.

(11:04 AM IST)