<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ખેડૂતોના માથે 'ખાતર' સંકટના કાળા વાદળો: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ ખેતીથી લઈને રસોડા સુધી મોંઘવારીનો ડોઝ આપશે

પશ્ચિમ એશિયામાં ભભૂકેલી જંગની જ્વાળા હવે ભારતીય કૃષિ ક્ષેત્રને દઝાડે તેવી ભીતિ; ઓમાનથી આવતા 46 ટકા ખાતરના સપ્લાય પર બ્રેક વાગતા યુરિયાની અછત સર્જાશે, સોના અને ખજૂરના ભાવ પણ આસમાને પહોંચવાની શક્યતા

રાજકોટ: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે માત્ર સૈન્ય મોરચા પૂરતું સીમિત રહ્યું નથી, પરંતુ તેની સીધી અને માઠી અસર ભારતીય ખેડૂતોના ખેતર સુધી પહોંચવાની આશંકા સેવાઈ રહી છે. ભારત તેની કૃષિ જરૂરિયાતો માટે અત્યંત મહત્વના એવા યુરિયા અને ફોસ્ફેટ જેવા ખાતરના કાચા માલ માટે મોટાભાગે ખાડી દેશો પર નિર્ભર છે. ખાસ કરીને ભારત પોતાની જરૂરિયાતનું આશરે 46 ટકા ખાતર એકલું ઓમાનથી આયાત કરે છે. જો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જેવો વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ યુદ્ધના કારણે લાંબો સમય બંધ રહેશે, તો દેશમાં ખાતરનો પુરવઠો ખોરવાશે. જેના પરિણામે ખેતીના ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થશે અને અંતે સામાન્ય જનતાના રસોડા સુધી મોંઘવારીનો આકરો ડોઝ પહોંચી શકે છે.

યુદ્ધના કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પણ મોટો માર પડવાની તૈયારીમાં છે. ભારત સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાંથી મોટા પાયે સોનાની આયાત કરે છે, પરંતુ વર્તમાન સંકટને કારણે શિપિંગ ખર્ચ અને વીમાના દરોમાં વધારો થતા સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. બીજી તરફ, ભારત પોતાની જરૂરિયાતના 80 થી 90 ટકા ખજૂર ખાડી દેશોમાંથી મંગાવે છે. પવિત્ર રમઝાન માસ પૂર્વે જ જો આ સપ્લાય ચેઈન ખોરવાઈ જશે, તો બજારમાં ખજૂરની અછત અને ભાવવધારો નિશ્ચિત છે. આમ, ઈંધણની સાથે સાથે ખાદ્યચીજો અને કિંમતી ધાતુઓ પણ સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ શકે છે.

નિકાસના મોરચે પણ ભારત માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે. ભારત દર વર્ષે અબજો રૂપિયાના બાસમતી ચોખા, માસ અને સીફૂડ ખાડી દેશોમાં નિકાસ કરે છે. આંકડાકીય રીતે જોઈએ તો ભારતની કુલ બાસમતી નિકાસનો 50 ટકા હિસ્સો માત્ર ઈરાન અને પડોશી ખાડી દેશોમાં જાય છે. યુદ્ધના કારણે આ નિકાસ અટકી પડતા ભારતીય નિકાસકારો અને ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. આ ઉપરાંત, ટેક્સટાઈલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના MSME ઉદ્યોગો જેઓ જેનરિક દવાઓ અને તૈયાર વસ્ત્રોનો સપ્લાય કરે છે, તેમને પેમેન્ટ અટકી જવાની કે ઓર્ડર રદ થવાની ભીતિ સતાવી રહી છે.

સરકારી અંદાજ મુજબ, ભારત અને ખાડી દેશો વચ્ચે વાર્ષિક આશરે 15.56 લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. જો આ લશ્કરી સંઘર્ષ વહેલી તકે શાંત નહીં થાય, તો લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે ભારતીય બજારમાં ચીજવસ્તુઓની કિંમતોમાં અસહ્ય વધારો થવો નક્કી છે. ભારત સરકાર અત્યારે વૈકલ્પિક આયાત માર્ગો અને અન્ય દેશો પાસેથી ખાતર મેળવવા માટે સોગઠાં ગોઠવી રહી છે, પરંતુ ઓમાન જેવા વિશ્વાસુ સપ્લાયરના અભાવે કૃષિ ક્ષેત્રમાં મોટી અનિશ્ચિતતા સર્જાઈ છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર આ આર્થિક સંકટને પહોંચી વળવા માટે કેવા મજબૂત ડગલાં ભરે છે.

(11:15 AM IST)