News of Wednesday, 4th March 2026
ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાની સેનાની શરમજનક પીછેહઠ: તાલિબાને 5 દિવસમાં 150 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યાનો દાવો
અફઘાન-પાકિસ્તાન સરહદે લોહિયાળ જંગ તેજ, તાલિબાને પાકિસ્તાનની 40 ચોકીઓ કબજે કરી દારૂગોળો લૂંટ્યો; સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પાકિસ્તાની સૈનિકો હથિયાર છોડીને ભાગતા દેખાયા

કાબુલ/ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની વિવાદાસ્પદ ડ્યુરન્ડ લાઇન પર છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલો તણાવ હવે ભયાનક સશસ્ત્ર સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. અફઘાન બોર્ડર ફોર્સના પ્રવક્તા અબ્દુલ્લા ઉકાબે એક સનસનીખેજ ખુલાસો કરતા જણાવ્યું છે કે તાલિબાન સંરક્ષણ દળોએ પાકિસ્તાની સેનાના અહંકારને ચકનાચૂર કરી દીધો છે. આ ભીષણ લડાઈમાં અત્યાર સુધીમાં ૧૫૦ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ૨૦૦થી વધુ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. અફઘાન લડવૈયાઓએ પાકિસ્તાની સરહદની અંદર ઘૂસીને ૪૦ જેટલી વ્યૂહાત્મક ચોકીઓ પર કબજો જમાવી લીધો છે, જેને પાકિસ્તાની સૈન્ય ઈતિહાસની મોટી હાર માનવામાં આવી રહી છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને અફઘાનિસ્તાનની ધરતી પર જાસૂસી કરવા માટે અનેક ડ્રોન મોકલ્યા હતા, જેમાંથી મોટાભાગના ડ્રોનને તાલિબાન દળોએ તોડી પાડ્યા છે. પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ગુપ્તચર ડ્રોનને તોડી પાડીને અફઘાનિસ્તાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તે પોતાની પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ બાંધછોડ કરશે નહીં. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે અફઘાન-તાલિબાન સંરક્ષણ દળો પાકિસ્તાનની કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવા માટે અત્યાધુનિક હથિયારો સાથે સજ્જ છે અને સરહદ પર પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહ્યા છે.
તાલિબાન દ્વારા જાહેર કરવામાં આવેલા યુદ્ધના મેદાનના વીડિયોએ પાકિસ્તાની સેનાની પોલ ખોલી દીધી છે. વાયરલ થયેલા વીડિયોમાં અફઘાન લડવૈયાઓ પાકિસ્તાની ચોકીઓ પર કબજો કરતા, વાયરલેસ સેટ અને આધુનિક શસ્ત્રો લૂંટતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. સૌથી શરમજનક દ્રશ્યો એ છે કે જેમાં પાકિસ્તાની સૈનિકો પોતાના હથિયારો અને સાધનો રઝળતા છોડીને હાથ ઊંચા કરી જીવ બચાવવા ભાગતા નજરે પડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે, જેના કારણે પાકિસ્તાની સેનાના મનોબળ પર વિપરિત અસર પડી છે અને પાકિસ્તાન સરકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નીચાજોણું થયું છે.
ડ્યુરન્ડ લાઇન પરની આ લડાઈ હવે માત્ર સરહદી વિવાદ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ તે એક વ્યાપક પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાઈ શકે તેવી શક્યતા છે. એકતરફ મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ દક્ષિણ એશિયાના આ બે પાડોશી દેશો વચ્ચેનો સંઘર્ષ ભારત સહિતના દેશો માટે ચિંતાનો વિષય બન્યો છે. પાકિસ્તાન અત્યારે આંતરિક રાજકીય અસ્થિરતા અને આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યું છે, ત્યારે તાલિબાન સામેની આ લડાઈમાં તેને મળી રહેલી હાર તેની મુશ્કેલીઓમાં બમણો વધારો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પાકિસ્તાન આ નુકસાનનો બદલો લેવા વળતો હુમલો કરે છે કે પછી સરહદે શાંતિ માટે સફેદ ઝંડો બતાવે છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
