<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ગળું દબાવતી 'હોર્મુઝની સામુદ્રધુની': ઈરાનની નાકાબંધીથી વિશ્વના ઉર્જા બજારમાં હાહાકાર, ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં

વિશ્વના ૨૦ ટકા ક્રૂડ અને ગેસના પરિવહન પર ઈરાને મૂક્યો પ્રતિબંધ; રિવૉલ્યુશનરી ગાર્ડની ખુલ્લી ધમકી—'જો કોઈ જહાજ પસાર થશે તો તેને આગ ચાંપી દેવાશે', ચીન અને ભારત જેવા એશિયાઈ દેશોના અર્થતંત્ર પર મંદીના કાળા વાદળો

રાજકોટ/તેહરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધે હવે વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી સમાન 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) પર કટોકટી સર્જી છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના વિનાશક હવાઈ હુમલા બાદ, ઈરાને વળતો પ્રહાર કરતા આ વ્યૂહાત્મક જળમાર્ગને સદંતર બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડના કમાન્ડર-ઈન-ચીફના વરિષ્ઠ સલાહકાર ઈબ્રાહિમ જબ્બારીએ સત્તાવાર મીડિયા મારફતે ચેતવણી આપી છે કે, "સામુદ્રધુની હવે બંધ છે અને જો કોઈ પણ વેપારી કે સૈન્ય જહાજ અહીંથી પસાર થવાનો પ્રયાસ કરશે, તો ઈરાની નેવી તેને દરિયામાં જ ભસ્મીભૂત કરી દેશે." આ જાહેરાતથી આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ગભરાટ ફેલાયો છે અને કતાર એનર્જી જેવી મોટી કંપનીઓએ તેમનું ઉત્પાદન અટકાવી દેતા ગેસના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે.

હોર્મુઝની સામુદ્રધુની માત્ર ૩૩ કિલોમીટરની પહોળાઈ ધરાવતો એક સાંકડો જળમાર્ગ છે, જે પર્શિયન ગલ્ફને ઓમાનની ખાડી સાથે જોડે છે. આ માર્ગ વિશ્વ માટે એટલો મહત્વનો છે કે દરરોજ અંદાજે ૨ કરોડ બેરલ ક્રૂડ ઓઈલ અને અબજો ડોલરનો એલએનજી (LNG) પુરવઠો અહીંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને કતાર જેવા તેલ ઉત્પાદક દેશો આ માર્ગ પર જ નિર્ભર છે. નિષ્ણાતોના મતે, ઈરાન તેની ફાસ્ટ બોટ, સબમરીન અને દરિયાઈ સુરંગો (Mines) દ્વારા આ જળમાર્ગને હંગામી ધોરણે બંધ કરી શકે છે. જો આ નાકાબંધી લાંબો સમય ચાલે, તો તે વિશ્વ માટે 'આર્થિક આત્મહત્યા' સમાન સાબિત થશે, કારણ કે વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાતા શેરબજારો તૂટી પડશે અને ફુગાવો બેકાબૂ બનશે.

ભારત માટે આ સમાચાર અત્યંત ચિંતાજનક છે, કારણ કે ભારત તેની જરૂરિયાતનું અડધાથી વધુ ક્રૂડ ઓઈલ અને ગેસ મધ્ય પૂર્વના દેશો પાસેથી આ જ જળમાર્ગ દ્વારા મેળવે છે. જો હોર્મુઝ બંધ થાય, તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ આસમાને પહોંચી શકે છે. ચીન માટે પણ આ સ્થિતિ કપરી છે, કારણ કે તે ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના નૌકાકાફલાને નુકસાન પહોંચાડ્યું છે, તેમ છતાં ઈરાનની ગેરિલા યુદ્ધ પદ્ધતિ અને જહાજ વિરોધી મિસાઈલો કોઈપણ મોટા ટેન્કરને પળવારમાં ડૂબાડી શકે છે. અગાઉ ૧૯૮૦ના 'ટેન્કર વોર' જેવી સ્થિતિ ફરી સર્જાતી દેખાઈ રહી છે, જેમાં ત્રીજા દેશના જહાજો પણ યુદ્ધનો ભોગ બની રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને તેના સાથી દેશો આ જળમાર્ગને ખુલ્લો રાખવા માટે સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યા છે. ભૂતકાળમાં બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું ઓપરેશન આ જળમાર્ગમાં હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં વીમા કંપનીઓએ આ રસ્તે પસાર થતા જહાજોને ઇન્શ્યોરન્સ આપવાનું બંધ કરી દેતા દરિયાઈ વેપાર લગભગ ઠપ્પ થઈ ગયો છે. જો આગામી દિવસોમાં રાજદ્વારી સમાધાન નહીં થાય, તો એશિયા-પેસિફિકથી લઈને યુરોપ સુધીના દેશોમાં ઉર્જાનું ગંભીર સંકટ સર્જાશે. ઈરાને ફેંકેલા આ 'વ્યૂહાત્મક પાસા'એ અત્યારે સમગ્ર વિશ્વને પશ્ચિમ એશિયાના રણમેદાન તરફ જોતા કરી દીધા છે.

(11:30 AM IST)