News of Wednesday, 4th March 2026
ન્યૂયોર્કની થીજી ગયેલી હડસન નદીમાં 'મિરેકલ' રિપીટ: પ્લેન ક્રેશ થયા બાદ પાયલોટ અને મુસાફર મોતના મુખમાંથી તરીને બહાર આવ્યા
એન્જિન ફેલ થતા સેસ્ના-172 વિમાન બરફના ગઠ્ઠા વચ્ચે ખાબક્યું, લોંગ આઇલેન્ડથી ઉડાન ભરેલા વિમાનના કટકા થયા છતાં ચમત્કારિક બચાવ; 2009ની સુલી સુલેનબર્ગરની એ ઐતિહાસિક ઘટનાની યાદો તાજી થઈ

ન્યૂયોર્ક: અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યમાં હડસન નદીના બર્ફીલા પાણીમાં એક નાનું વિમાન ક્રેશ થવાની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સોમવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટનામાં પાયલોટ અને એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો છે. સેસ્ના-172 વિમાને લોંગ આઇલેન્ડના મેકઆર્થર એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ ઉડાનના એક કલાક બાદ અચાનક એન્જિને પાવર ગુમાવી દેતા વિમાન ન્યૂબર્ગ-બીકન બ્રિજ નજીક હડસન નદીમાં ખાબક્યું હતું. હડસન નદીના હાડ થીજવી દેતા ઠંડા પાણી અને બરફના ઢગલા વચ્ચે વિમાન ડૂબી રહ્યું હતું, ત્યારે પાયલોટ અને મુસાફરે અદમ્ય સાહસ બતાવીને બહાર નીકળી તરીને કિનારે પહોંચી પોતાનો જીવ બચાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ પુષ્ટિ કરી છે કે ફ્લાઈટ ટ્રેકર ડેટા મુજબ વિમાન સાડા છ વાગ્યા પછી રવાના થયું હતું અને ટેકનિકલ ખામી સર્જાતા તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઓરેન્જ કાઉન્ટીના એક્ઝિક્યુટિવ સ્ટીવ ન્યુહૌસે જણાવ્યું હતું કે વિમાન નદીમાં પટકાયા બાદ પાયલોટ અને મુસાફર સ્વસ્થ ચિત્તે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. મિડલ હોપ ફાયર ડિપાર્ટમેન્ટને શરૂઆતમાં વિમાન શોધવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ બાદમાં તે ન્યુબર્ગ પાસે બરફના ગઠ્ઠા વચ્ચે ડૂબતી હાલતમાં મળી આવ્યું હતું. આ બંને નસીબદાર લોકોને માત્ર નજીવી ઈજાઓ પહોંચી છે અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ ઘટનાને 'હડસનનો બીજો ચમત્કાર' ગણાવી ઇન્સ્ટાગ્રામ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે પાયલોટની કુશળતાના વખાણ કરતા લખ્યું કે, ઈમરજન્સી લેન્ડિંગ વખતે પાયલોટે જે રીતે વિમાનને બરફ પર ઉતાર્યું તેના કારણે જ મોટી જાનહાનિ ટળી છે. આ ઘટનાએ વર્ષ 2009ના એ ઐતિહાસિક 'મિરેકલ ઓન ધ હડસન'ની યાદ અપાવી દીધી છે, જ્યારે કેપ્ટન સુલી સુલેનબર્ગરે એરબસ A320 વિમાનને હડસન નદીમાં સુરક્ષિત ઉતારીને તમામ 155 મુસાફરોના જીવ બચાવ્યા હતા. જોકે, આ વખતે વિમાન નાનું હતું, પરંતુ સંજોગો તેટલા જ જોખમી અને પડકારજનક હતા.
હાલમાં FAA અને સ્ટેટ પોલીસ દ્વારા આ અકસ્માતના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ એક ફ્લાઈટ ઇન્સ્ટ્રક્ટર અને વિદ્યાર્થી હતા જેઓ ટચ-એન્ડ-ગો લેન્ડિંગની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેલનું દબાણ ઘટી ગયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. રાહતની વાત એ છે કે આટલા મોટા અકસ્માત બાદ પણ બંને લોકો સુરક્ષિત છે અને હોસ્પિટલ પહોંચ્યા બાદ તેઓ સારા મૂડમાં જોવા મળ્યા હતા. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસ હવે નદીમાંથી વિમાનના કાટમાળને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી રહી છે જેથી એન્જિન ફેલ થવાના સચોટ કારણો જાણી શકાય.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
