<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

અખાતના સમુદ્રમાં મરણતોલ જંગ: ફારસ અને ઓમાનની ખાડીમાં 37 ભારતીય જહાજો ફસાયા, 1109 નાવિકોના જીવ તાળવે ચોંટ્યા

ઈરાન-અમેરિકા સંઘર્ષની આગમાં હોર્મુઝની સામુદ્રધુની સીલ થતા ભારતના ઉર્જા પુરવઠા પર મોટું સંકટ; મિસાઈલ અને ડ્રોન હુમલા વચ્ચે 3 ભારતીય નાવિકોના મોતના અહેવાલથી ખળભળાટ, કેન્દ્ર સરકાર દ્વારા 'ક્વિક રિસ્પોન્સ ટીમ' સાથે હાઈ-લેવલ રેસ્ક્યુ પ્લાન તૈયાર

રાજકોટ/નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ લશ્કરી યુદ્ધની સીધી અને અત્યંત ગંભીર અસર હવે ભારતીય દરિયાઈ પરિવહન પર જોવા મળી રહી છે. ફારસની ખાડી (The Persian Gulf) અને ઓમાનની ખાડીમાં ભારતીય ધ્વજ ધરાવતા ૩૭ જેટલા વિશાળ જહાજો યુદ્ધના મેદાનમાં ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. આ જહાજો પર કુલ ૧૧૦૯ ભારતીય નાવિકો સવાર છે, જેમના પર અત્યારે મિસાઈલ અને ડ્રોન હુમલાનું સીધું જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાને વળતી કાર્યવાહીના ભાગરૂપે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માર્ગને જહાજોની અવરજવર માટે બંધ કરી દેતા ભારતીય જહાજો મધદરિયે અટવાઈ પડ્યા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના પરિવહન માટે કરોડરજ્જુ સમાન ગણાતો હોર્મુઝનો માર્ગ સીલ થઈ જવાથી ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં મુકાઈ છે. ફસાયેલા ૩૭ જહાજો પૈકી મોટાભાગના જહાજો કાચું તેલ (Crude Oil) અને એલએનજી (LNG) નો જથ્થો લઈને ભારતીય બંદરો તરફ આવી રહ્યા હતા. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા આ ઈલેક્ટ્રોનિક વોરફેર અને આત્મઘાતી ડ્રોન હુમલાઓને કારણે અત્યાર સુધીમાં વિદેશી જહાજો પર ફરજ બજાવતા ત્રણ કમનસીબ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ મળી છે. આ ઘટનાએ ભારતીય શિપિંગ ઉદ્યોગ અને નાવિકોના પરિવારોમાં ભારે ફફડાટ અને ચિંતા ફેલાવી દીધી છે.

પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ભારતનું ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ (DGS) ચોવીસે કલાક શિપિંગ કંપનીઓના સંપર્કમાં છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી છે અને તાત્કાલિક અસરથી 'ક્વિક રિસ્પોન્સ ટીમ'ની રચના કરવામાં આવી છે. આ ટીમ ફસાયેલા નાવિકોના પરિવારોને દર મિનિટની માહિતી પૂરી પાડશે અને મનોવૈજ્ઞાનિક સહાય પણ આપશે. સરકાર દ્વારા શિપિંગ કંપનીઓને કડક સૂચના આપવામાં આવી છે કે નાવિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ અને કોઈપણ જોખમી વિસ્તારમાં જહાજને આગળ ધપાવવા માટે ઉતાવળ ન કરવી.

ભારતીય નૌકાદળ (Indian Navy) અને વિદેશ મંત્રાલય અત્યારે સંયુક્ત રીતે 'મિશન મોડ'માં કામ કરી રહ્યા છે જેથી આ ૧૧૦૯ નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. જરૂર પડ્યે નૌકાદળના યુદ્ધ જહાજોને આ માલવાહક જહાજોના એસ્કોર્ટ માટે મોકલવામાં આવી શકે છે. ભારત સરકાર અત્યારે રાજદ્વારી સ્તરે પણ પ્રયાસો કરી રહી છે જેથી માનવીય ધોરણે ભારતીય જહાજોને સલામત રસ્તો મળી શકે. જો આ નાકાબંધી લાંબો સમય ચાલશે, તો ભારતમાં પેટ્રોલિયમ પેદાશોની ભારે અછત અને મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. હવે સૌની નજર અખાતના પાણીમાં ઉભેલા આ જહાજોના ભવિષ્ય પર ટકેલી છે.

(11:58 AM IST)