<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

દુનિયા યુદ્ધની આગમાં, પણ 'રોકેટમેન' ક્યાં છે? કિમ જોંગ ઉનની અજબ શાંતિ પાછળનું ગજબ રહસ્ય!

વિશ્વ યુદ્ધના ઉંબરે છતાં કિમ જોંગ ઉન ઘર આંગણે વ્યસ્ત: દક્ષિણ કોરિયાને 'કાયમી દુશ્મન' જાહેર કરવા બંધારણ બદલવાની તૈયારી

પ્યોંગયાંગ: એક તરફ ઇઝરાયેલ-ઈરાન વચ્ચે મિસાઈલ યુદ્ધ ફાટી નીકળ્યું છે અને રશિયા-યુક્રેન સંઘર્ષ ચાર વર્ષથી અટકવાનું નામ નથી લેતો, ત્યારે દુનિયાભરમાં એક જ સવાલ પૂછાઈ રહ્યો છે: "સૌથી ખૂંખાર ગણાતા કિમ જોંગ ઉન અત્યારે શું કરી રહ્યા છે?" સોશિયલ મીડિયા પર કિમ જોંગ ઉન પર મીમ્સનો વરસાદ થઈ રહ્યો છે, જેમાં તેમને 'રમકડાં (હથિયારો) હોવા છતાં એકલા રમનાર બાળક' તરીકે દર્શાવવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે.
ઉત્તર કોરિયામાં ચૂંટણીનો માહોલ
ઉત્તર કોરિયાના સ્ટેટ મીડિયા (KCNA) અનુસાર, દેશમાં આગામી 15 માર્ચ, 2026 ના રોજ રાષ્ટ્રીય સભા માટે પ્રતિનિધિઓની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માત્ર ઔપચારિકતા હોવા છતાં આ વખતે ખાસ છે. ચર્ચા છે કે કિમ જોંગ ઉન હવે સત્તાવાર રીતે 'રાષ્ટ્રપતિ' નું પદ ધારણ કરી શકે છે. 
જણાવી દઈએ કે આ પદ અત્યાર સુધી તેમના સ્વર્ગસ્થ દાદા કિમ ઈલ સુંગ માટે અનામત રાખવામાં આવ્યું હતું.
દક્ષિણ કોરિયા સાથેના સંબંધો પર પૂર્ણવિરામ
કિમ જોંગ ઉન હવે દક્ષિણ કોરિયા સાથેના તમામ શાંતિ પ્રયાસોને 'કપટી ષડયંત્ર' ગણાવી રહ્યા છે. નવા બંધારણીય સુધારા દ્વારા તેઓ દક્ષિણ કોરિયાને કાયમી ધોરણે 'દુશ્મન દેશ' તરીકે વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે બંને કોરિયા વચ્ચે એકીકરણની કોઈ શક્યતા નથી.
શું ટ્રમ્પ અને કિમ ફરી મળશે?
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સૌથી મોટી અટકળ એ છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એપ્રિલમાં તેમની ચીન મુલાકાત દરમિયાન કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી શકે છે. કિમે સંકેત આપ્યો છે કે જો અમેરિકા ઉત્તર કોરિયાને 'પરમાણુ શક્તિ સંપન્ન દેશ' તરીકે સ્વીકારે, તો તેઓ સહઅસ્તિત્વ માટે તૈયાર છે. જોકે, દાયકાઓથી અમેરિકા આ પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાની જીદ પર મક્કમ છે.

(1:17 PM IST)