News of Wednesday, 4th March 2026
સ્પેન દ્વારા અમેરિકી સૈન્યને ઈરાન પર હુમલો કરવા માટે પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવતા ટ્રમ્પે સ્પેન સાથેના તમામ વ્યાપારિક સંબંધો તોડવાની કરી જાહેરાત, સ્પેનમાં રહેલા નાટોના સૈન્ય મથકો કબજે કરવાની આપી ધમકી: કડક શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ દેશ અમને અમારા સૈન્ય મથકોનો ઉપયોગ કરતા રોકી શકશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપના શક્તિશાળી દેશ સ્પેન વિરુદ્ધ આકરા વ્યાપારિક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરીને વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વ્હાઈટ હાઉસ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમેરિકા હવે સ્પેન સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવા માંગતું નથી. આ વિવાદનું મુખ્ય કારણ સ્પેન દ્વારા અમેરિકી સૈન્યને ઈરાન પર હુમલો કરવા માટે પોતાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવી હોવાનું સામે આવ્યું છે. ટ્રમ્પે તિજોરી સચિવ સ્કોટ બેસેન્ટને સ્પેન સાથેના તમામ આર્થિક વ્યવહારો તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપી દીધા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝ સાથેની મુલાકાત દરમિયાન સ્પેન પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, જ્યારે જર્મની સહિતના અન્ય યુરોપિયન દેશો રક્ષણ માટે પાંચ ટકા યોગદાન આપવા સહમત થયા છે, ત્યારે સ્પેને આ બાબતે નનૈયો ભણ્યો છે. ટ્રમ્પે વધુમાં ચેતવણી આપી હતી કે, જો જરૂર પડશે તો અમેરિકા સ્પેનમાં આવેલા નાટોના સૈન્ય મથકોનો બળજબરીથી ઉપયોગ કરતા પણ અચકાશે નહીં. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, કોઈ પણ દેશ અમને અમારા સૈન્ય મથકોનો ઉપયોગ કરતા રોકી શકશે નહીં.
બીજી તરફ, બ્રિટન સાથેના સંબંધોમાં પણ તણાવ જોવા મળ્યો છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે શરૂઆતમાં હિંદ મહાસાગરમાં આવેલા ડિએગો ગાર્સિયા અને ગ્લોસ્ટરશાયરના સૈન્ય મથકોનો ઉપયોગ ઈરાન પરના પ્રારંભિક હુમલા માટે આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ત્યારબાદ મર્યાદિત હુમલાઓ માટે મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન રોયલ એરફોર્સના એફ-૩૫ લાઈટનિંગ ફાઈટર જેટ્સે જોર્ડન ઉપર ઈરાની ડ્રોનને તોડી પાડ્યા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. સ્ટાર્મરે જણાવ્યું હતું કે, જ્યારે ઈરાનના હુમલાઓ બ્રિટિશ હિતો અને સાથી દેશો માટે જોખમી બન્યા ત્યારે જ સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાનના વલણની સરખામણી વિન્સ્ટન ચર્ચિલ સાથે કરતા કટાક્ષ પણ કર્યો હતો.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
