<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

યુદ્ધનું વિચિત્ર ગણિત: ઈરાનના ૨૦ હજારના ડ્રોનને તોડવા અમેરિકા ૪૦ લાખ ડોલરની મિસાઈલ છોડે છે!

ઈરાન-ઈઝરાયેલ જંગનો પાંચમો દિવસ: હથિયારો કોના વહેલા ખૂટશે તેના પર જીતનો દારમોદાર; ટ્રમ્પ પ્રશાસન માટે આર્થિક બોજ ચિંતાનો વિષય

વોશિંગ્ટન/તેહરાન: પશ્ચિમ એશિયામાં અત્યારે રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે હથિયારોના આર્થિક ગણિતે દુનિયાભરના સંરક્ષણ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. એક તરફ ઈરાન તેના સસ્તા ગણાતા 'શાહિદ-૧૩૬' આત્મઘાતી ડ્રોન દ્વારા અમેરિકન સૈન્ય અડ્ડાઓ અને ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે, તો બીજી તરફ તેને રોકવા માટે અમેરિકાએ કરોડો રૂપિયાની કિંમતી મિસાઈલોનો વરસાદ કરવો પડી રહ્યો છે.

સસ્તા ડ્રોન સામે મોંઘીદાટ મિસાઈલ:
 અમેરિકાની વ્યૂહરચના પર જોખમ
માહિતી મુજબ, ઈરાન જે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે તેની કિંમત અંદાજે માત્ર ૨૦,૦૦૦ ડોલર (આશરે ૧૬-૧૭ લાખ રૂપિયા) છે. પરંતુ આ ડ્રોનને હવામાં જ ફૂંકી મારવા માટે અમેરિકાની 'પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ' જે મિસાઈલ છોડે છે તેની કિંમત ૪૦ લાખ ડોલર (આશરે ૩૩ કરોડ રૂપિયાથી વધુ) છે. 
નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન જાણીજોઈને સસ્તા ડ્રોનનો મારો ચલાવી રહ્યું છે જેથી અમેરિકા અને ઈઝરાયેલના મિસાઈલ સ્ટોક ખાલી થઈ જાય. જો આ જ ગતિએ જંગ ચાલશે તો આગામી થોડા અઠવાડિયામાં અમેરિકા પાસે સંરક્ષણ માટે પૂરતી મિસાઈલો નહીં રહે તેવો ભય સતાવી રહ્યો છે.
ઈરાનનો દાવો: "અમે લાંબી લડાઈ માટે તૈયાર"
જંગના પાંચમા દિવસે ઈરાને અત્યાર સુધીમાં ૧,૨૦૦થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે. જોકે ઈઝરાયેલનો દાવો છે કે તેણે ઈરાનના ૧૫૦ મિસાઈલ લોન્ચર નષ્ટ કરી દીધા છે અને ઈરાની આકાશમાં હવે તેમના વિમાનો મુક્તપણે ફરી રહ્યા છે. 
બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈએ ચેતવણી આપી છે કે જો હુમલા બંધ નહીં થાય તો સમગ્ર પશ્ચિમ એશિયામાં આગ લાગશે, જેની ઝપેટમાં સાઉદી અરેબિયા અને પેલેસ્ટાઈન જેવા દેશો પણ આવી શકે છે.
ટ્રમ્પ સરકાર પર વધતું દબાણ
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સંકેત આપ્યા છે કે આ યુદ્ધ ઈરાક જેવું લાંબુ નહીં ચાલે, પરંતુ વધતો જતો લશ્કરી ખર્ચ અને હથિયારોની અછત ટ્રમ્પ સરકાર માટે મોટી આફત બની શકે છે. શું અમેરિકા આ 'આર્થિક જંગ'માં ટકી શકશે? તે હવે મોટો સવાલ છે.

(2:09 PM IST)