News of Wednesday, 4th March 2026
મિડલ ઈસ્ટના મહાયુદ્ધમાં ફસાયો ફૂટબોલનો શહેનશાહ: રોનાલ્ડો રૂ.૭૪૭ કરોડના પ્રાઈવેટ જેટમાં જીવ બચાવી સાઉદીથી મેડ્રિડ ભાગ્યો
રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર ડ્રોન હુમલા બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો મોટો નિર્ણય: AFC ચેમ્પિયન્સ લીગ પર યુદ્ધનું ગ્રહણ, જોની બેરસ્ટો સહિતના દિગ્ગજ ખેલાડીઓ હજુ પણ દુબઈમાં ફસાયા

રિયાધ: મિડલ ઈસ્ટમાં વકરી રહેલા ભયાનક સંઘર્ષની જ્વાળાઓએ હવે વિશ્વના સૌથી લોકપ્રિય ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને પણ ધ્રુજાવી દીધો છે. અલ-નાસર ક્લબ તરફથી AFC ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલ રમવા માટે સાઉદી અરેબિયામાં હાજર રોનાલ્ડોએ સુરક્ષાના કારણોસર તાત્કાલિક દેશ છોડવાનો નિર્ણય લીધો છે. રિયાધમાં અમેરિકી દૂતાવાસ પર થયેલા બે ડ્રોન હુમલા બાદ સ્થિતિ વણસતા, ૪૧ વર્ષીય ફૂટબોલ સ્ટાર પોતાના પરિવાર સાથે રૂ.૭૪૭ કરોડના આલીશાન પ્રાઈવેટ જેટમાં સવાર થઈ સ્પેનના મેડ્રિડ જવા રવાના થઈ ગયો છે. ૯૬૫ ગોલ સાથે ફૂટબોલ ઇતિહાસના આ મહાન ખેલાડીની સુરક્ષાને લઈને વિશ્વભરના ચાહકોમાં ચિંતા હતી, ત્યારે તેની આ હિલચાલ યુદ્ધની ગંભીરતા સ્પષ્ટ કરે છે.
યુદ્ધની આ ભયાનક અસરો માત્ર ફૂટબોલ સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર રમતજગત અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સાઉદી અને યુએઈના એરસ્પેસ પર જોખમ વધતા અનેક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો રદ કરવામાં આવી છે. ઇંગ્લેન્ડનો સ્ટાર ક્રિકેટર જોની બેરસ્ટો તેના પરિવાર સાથે દુબઈમાં ફસાયો છે અને સોશિયલ મીડિયા પર પોતાની સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે. આ ઉપરાંત, અબુ ધાબીમાં રમાતી પાકિસ્તાન શાહીન અને ઇંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની વન-ડે સિરીઝ અધવચ્ચેથી જ માંડી વાળવામાં આવી છે. સ્થિતિ એટલી નાજુક છે કે ખેલાડીઓ હોટલના રૂમમાં કેદ છે અને સુરક્ષિત રીતે વતન પરત ફરવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે.
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી આ કટોકટીને કારણે ભારતમાં હાજર વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેની ટીમો પણ મુશ્કેલીમાં મુકાઈ છે. સુપર-૮ માંથી બહાર થયા બાદ આ ટીમો ઘરે પરત ફરવા માંગે છે, પરંતુ એરસ્પેસ પ્રતિબંધોને કારણે તેઓ હજુ ભારતમાં જ રોકાયા છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ પણ પરત ફરવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહી છે. ફૂટબોલ અને ક્રિકેટના મેદાન જે અત્યાર સુધી પ્રેક્ષકોના શોરબકોરથી ગુંજતા હતા, ત્યાં હવે યુદ્ધના વિમાન અને ડ્રોનનો અવાજ સંભળાઈ રહ્યો છે, જે રમત જગતના ઇતિહાસમાં કાળા અધ્યાય સમાન સાબિત થઈ રહ્યો છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
