News of Wednesday, 4th March 2026
વાહ! ચીની કંપનીના માલિકની અકલ્પનીય દરિયાદિલી: 360 કરોડના નફામાંથી 240 કરોડ રૂપિયા તો કર્મચારીઓને બોનસમાં વહેંચી દીધા!
સ્ટેજ પર રોકડના ઢગલા જોઈ આંખો અંજાઈ ગઈ; વોશિંગ મશીન જેવી ભેટો રદ કરી દરેકને વધારાના 2.30 લાખ રૂપિયા રોકડા આપ્યા

બેજિંગ/નવી દિલ્હી:
સામાન્ય રીતે કંપનીઓ વર્ષના અંતે કર્મચારીઓને પગારના અમુક ટકા અથવા નાની-મોટી ભેટ આપીને સંતોષ માનતી હોય છે, પરંતુ ચીનની એક કંપનીએ ઉદારતાની તમામ હદો વટાવી દીધી છે. 'હેનાન કુઆંગશાન ક્રેન' કંપનીના માલિક કુઇ પેઇજુને પોતાના નફાનો સિંહફાળો કર્મચારીઓના નામે કરી દઈને વિશ્વભરમાં ભારે ચર્ચા જગાવી છે. કંપનીએ તેના વાર્ષિક નફાના અંદાજે 70% રકમ (રૂ. 240 કરોડ) બોનસ પેટે વહેંચી દીધી છે.
સ્ટેજ પર નોટોના પહાડ અને 7000 કર્મચારીઓ
કંપનીના વાર્ષિક મહોત્સવમાં અંદાજે 7,000 કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 800 જેટલા ભોજનના ટેબલો પર રોકડ રકમના બંડલોના ઢગલા કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કર્મચારીઓ સ્ટેજ પર જઈને નોટોના બંડલ ગણતા અને તેને થેલામાં ભરીને ઘરે લઈ જતા જોવા મળ્યા હતા. કેટલાક નસીબદાર કર્મચારીઓ પાસે તો એટલી રોકડ આવી હતી કે તેમને તે ઊંચકવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.
'ભેટ નહીં, રોકડ આપો' – માલિકનો આદેશ
કંપનીના ચેરમેન કુઇ પેઇજુન, જેઓ કંપનીમાં 98.88% હિસ્સો ધરાવે છે, તેમણે સ્ટેજ પરથી જ એક એવો નિર્ણય લીધો જેણે સૌના દિલ જીતી લીધા. કંપની પહેલા કર્મચારીઓને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપવાની હતી, પરંતુ કુઇએ ફાયનાન્સ વિભાગને અટકાવતા કહ્યું, "આપણને વોશિંગ મશીન આપવાની શું જરૂર છે? ગત વર્ષોમાં આપણે દાગીના આપ્યા હતા, આ વખતે સીધી રોકડ આપો અને દરેકને વધારાના 20,000 યુઆન (આશરે રૂ. 2.33 લાખ) રોકડા આપો."
કુલ વહેંચણી અને પ્રોફિટ શેરિંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર:
* કુલ બોનસ: 180 મિલિયન યુઆન (આશરે રૂ. 240 કરોડ).
* નફાનો ભાગ: વર્ષ 2025ના ચોખ્ખા નફાના આશરે 70 ટકા.
* ઓનલાઈન વિતરણ: કાર્યક્રમમાં રૂબરૂ વહેંચાયેલી રોકડ ઉપરાંત મોટી રકમ ઓનલાઈન પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
