<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાનમાં નવા યુગની શરૂઆત: શું મોજતબા ખામેની પિતાનો વારસો સંભાળશે?

સત્તાના સંગ્રામમાં ખામેનીના પુત્ર સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભર્યા

તેહરાન:  આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ ઈરાનમાં સર્વોચ્ચ નેતા ની પસંદગી માટેની પ્રક્રિયા તેજ બની છે. 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા નવા નેતાના નામ પર મહોર મારવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. આ રેસમાં અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેની સૌથી પ્રબળ દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. મોજતબા લાંબા સમયથી પડદા પાછળ રહીને ઈરાનના વહીવટ અને સુરક્ષા તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે, જેના કારણે ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથેના તેમના ગાઢ સંબંધો તેમને અન્ય દાવેદારો કરતા આગળ રાખે છે.

તાજેતરના અહેવાલો મુજબ, યુએસ-ઇઝરાયલી હુમલામાં ખામેની પરિવારના અનેક સભ્યોના મોત થયા હોવા છતાં, મોજતબા સુરક્ષિત છે. હાલમાં દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ હોવાથી વહીવટી તંત્રમાં સ્થિરતા જાળવવા માટે વચગાળાના નેતા તરીકે અલીરેઝા અરાફીની નિમણૂક કરવામાં આવી છે. જોકે, નિષ્ણાતો માની રહ્યા છે કે આ માત્ર ટૂંકા ગાળાની વ્યવસ્થા છે. આયાતુલ્લાહ અહમદ ખાતમીએ સરકારી ટેલિવિઝન પર સંકેત આપ્યો છે કે નવા નેતાના નામની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે પસંદગી સમિતિ કોઈ ચોક્કસ નિષ્કર્ષની અત્યંત નજીક પહોંચી ગઈ છે.

મોજતબા ખામેનીની સંભવિત પસંદગી ઈરાનના રાજકારણમાં એક નવો વળાંક લાવી શકે છે. પવિત્ર શહેર કોમમાં શિક્ષિત મોજતબા કટ્ટરપંથી વિચારધારા અને સૈન્ય પર પકડ ધરાવે છે. જો તેમની નિમણૂક થાય છે, તો તે ઈરાનમાં 'વંશપરંપરાગત શાસન' અંગેની નવી ચર્ચાઓને પણ જન્મ આપી શકે છે, જે ૧૯૭૯ની ક્રાંતિ પછી પ્રથમ વખત જોવા મળશે. અત્યારે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે, ત્યારે ઈરાનનું નવું નેતૃત્વ ઇઝરાયેલ અને પશ્ચિમી દેશો પ્રત્યે કેવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

(5:55 PM IST)