<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

શેરબજારમાં ‘હૈયા હોળી’: સેન્સેક્સ ૧,૧૨૩ પોઈન્ટ તૂટ્યો : રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા

ઈરાન-અમેરિકા યુદ્ધના ફફડાટે દલાલ સ્ટ્રીટમાં મચાવ્યો હાહાકાર; નિફ્ટી ૨૪,૫૦૦ની સપાટી તોડી નીચે ગબડ્યો : ક્રૂડ ઓઈલના ઉછાળા અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ હોળીના તહેવાર પૂર્વે જ રોકાણકારોનો રંગ ફિક્કો કર્યો

મુંબઈ:  ભારતીય શેરબજારમાં જાણે કુદરતી આફત આવી હોય તેમ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગાબડાં પડ્યા છે. હોળીના તહેવારની તૈયારીઓ વચ્ચે શેરબજારમાં રોકાણકારો માટે 'કાળી હોળી' જેવો માહોલ સર્જાયો હતો, જેમાં સેન્સેક્સ ૧,૧૨૨.૬૬ પોઈન્ટના કડાકા સાથે ૭૯,૧૧૬ પર બંધ રહ્યો હતો. આ ભીષણ વેચવાલીના કારણે માત્ર એક જ દિવસમાં રોકાણકારોની અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધોવાઈ ગઈ છે. બજારમાં મચેલા આ હાહાકાર પાછળ મધ્ય-પૂર્વમાં વણસતી જતી પરિસ્થિતિ અને વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો મુખ્ય કારણભૂત માનવામાં આવે છે, જેણે સામાન્ય રોકાણકારોથી લઈને મોટા ગજાના ખેલાડીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

બજારમાં આ મોટા ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો તોતિંગ વધારો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $૮૨ને પાર કરી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે આર્થિક જોખમની ઘંટડી સમાન છે. તેની સાથે જ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવેલી આક્રમક વેચવાલીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. છેલ્લા આઠ મહિનાથી વિદેશી રોકાણકારો સતત નાણાં ખેંચી રહ્યા છે, જેને પરિણામે ભારતીય શેરબજારમાં વિશ્વાસનું વાતાવરણ ડગમગી ગયું છે. વધતા જતા જિયોપોલિટિકલ તણાવને લીધે રોકાણકારો હવે જોખમ લેવાને બદલે સલામત રોકાણ તરફ વળી રહ્યા છે.

બજારની અસ્થિરતા માપતો ઇન્ડેક્સ 'ઇન્ડિયા VIX' ૧૪% ઉછળીને ૧૯.૫૧ પર પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે આગામી દિવસોમાં પણ બજારમાં ભારે અફરાતફરી રહી શકે છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી મધ્ય-પૂર્વના દેશો વચ્ચે યુદ્ધવિરામ કે શાંતિના સંકેતો નહીં મળે, ત્યાં સુધી શેરબજારમાં રિકવરી આવવી મુશ્કેલ છે. તેલના વધતા ભાવ ફુગાવો વધારી શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. હોળીના પર્વ પર બજારમાં આવેલા આ 'રક્તપાત' બાદ હવે રોકાણકારોની નજર વૈશ્વિક નેતાઓના નિવેદનો અને ક્રૂડ ઓઈલની ચાલ પર ટકેલી છે.

(5:56 PM IST)