<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

પશ્ચિમી દેશોમાં ‘મહાવિસ્ફોટ’: ટ્રમ્પની ગુંડાગીરી સામે મેક્રોનનું બ્યુગલ : ઈરાન યુદ્ધે અમેરિકા-યુરોપના દાયકાઓ જૂના સંબંધોના ચીથરેચીથરા ઉડાડ્યા

વ્હાઈટ હાઉસના ‘બિગ બ્રધર’ વલણ સામે ફ્રાન્સ અને બ્રિટનનો બળવો : ટ્રમ્પે મેક્રોનની ખાનગી ચેટ જાહેર કરતા રાજદ્વારી યુદ્ધ ફાટી નીકળ્યું : ટેરિફના બદલામાં યુરોપે ‘ટ્રેડ બાઝુકા’ તાકતા અમેરિકા બેકફૂટ પર અને ચીનનો દબદબો વધ્યો

વોશિંગ્ટન:  વૈશ્વિક રાજકારણના મંચ પર અત્યારે એક એવો વળાંક આવ્યો છે જેણે પશ્ચિમી દેશોની એકતાના લીરેલીરા ઉડાડી દીધા છે. ઈરાન અને લેબનોન પર ઈઝરાયેલના હુમલાના મુદ્દે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને અમેરિકા અને ઈઝરાયેલને ખુલ્લી ચેતવણી આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પની "અમેરિકા ફર્સ્ટ" નીતિ અને યુરોપિયન નેતાઓના વ્યક્તિગત અપમાનની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે ટ્રમ્પે મેક્રોન સાથેની ખાનગી વાતચીતો સોશિયલ મીડિયા પર લીક કરી દીધી. મેક્રોને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે લેબનોન પરની કોઈપણ લશ્કરી કાર્યવાહી સમગ્ર મધ્ય-પૂર્વને રાખમાં ફેરવી દેશે અને યુરોપ હવે વોશિંગ્ટનની કઠપૂતળી બનીને રહેવા તૈયાર નથી.

અમેરિકા અને યુરોપ વચ્ચેનો આ વિવાદ માત્ર સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ હવે તે 'ટ્રેડ વોર'માં ફેરવાઈ ગયો છે. ગ્રીનલેન્ડના જોડાણ જેવા અસંગત મુદ્દાઓ પર યુરોપનો વિરોધ જોઈને ટ્રમ્પે જ્યારે આખા યુરોપિયન યુનિયન પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી, ત્યારે યુરોપે પણ ઝૂકવાને બદલે પોતાના "આર્થિક બાઝુકા" વડે વળતો પ્રહાર કર્યો. ટ્રમ્પના મંત્રીઓ દ્વારા વારંવાર કરવામાં આવતું અપમાન કે "અમેરિકા વગર યુરોપનું કોઈ અસ્તિત્વ નથી", હવે અમેરિકા પર જ ભારે પડી રહ્યું છે. આ અહંકારના જંગમાં ફ્રાન્સ અને બ્રિટન જેવા દેશોએ હવે અમેરિકાના પક્ષમાં રહેવાને બદલે પોતાની સ્વાયત્તતા જાળવવાનું નક્કી કર્યું છે, જે પશ્ચિમી ગઠબંધન માટે મૃત્યુઘંટ સમાન છે.

આ રાજદ્વારી તિરાડનો સૌથી મોટો ફાયદો ચીન ઉઠાવી રહ્યું હોય તેમ જણાય છે. અમેરિકાના અક્કડ વલણથી કંટાળીને યુરોપના ટોચના નેતાઓ હવે બેઇજિંગ તરફ વળી રહ્યા છે, જે વોશિંગ્ટન માટે સૌથી મોટો વ્યૂહાત્મક ફટકો છે. એક તરફ ટ્રમ્પનો ઘમંડ છે અને બીજી તરફ મેક્રોનનું આત્મસન્માન, જેણે વિશ્વને બે ભાગમાં વહેંચી દીધું છે. ઈરાન કટોકટીએ એ સાબિત કરી દીધું છે કે હવે યુરોપ પોતાની સુરક્ષા અને વિદેશ નીતિ માટે અમેરિકા પર નિર્ભર રહેવાને બદલે નવા સાથીદારો શોધી રહ્યું છે. આ બદલાતા સમીકરણો આવનારા વર્ષોમાં વિશ્વના નકશા પર નવી સત્તાકીય ધરી ઉભી કરશે તે નક્કી છે.

(5:57 PM IST)