News of Wednesday, 4th March 2026
અમેરિકા-ઇરાન જંગમાં ૨૪ કલાકમાં જ ૬૯ અબજ સ્વાહા! મિસાઇલ રેસમાં સુપરપાવર પછડાટના આરે? ગુપ્ત રિપોર્ટમાં પેન્ટાગોનની મોટી ચેતવણી
ટ્રમ્પનો 'અમર્યાદિત' હથિયારોનો દાવો અને લશ્કરી અધિકારીઓના ડર વચ્ચે છેડાયું મહાયુદ્ધ; ઇરાન દર મહિને ૧૦૦ મિસાઇલ બનાવે છે તો અમેરિકા પાસે માત્ર ૭ ઇન્ટરસેપ્ટર!

વોશિંગ્ટન: અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ આજે ચોથા દિવસમાં પ્રવેશતાની સાથે જ વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્રમાં ભૂકંપ આવી ગયો છે. પેન્ટાગોનમાંથી લીક થયેલા એક ચોંકાવનારા ગુપ્ત અહેવાલ મુજબ, જો અમેરિકા આગામી ૧૦ દિવસ સુધી ઇરાન પર આ જ ગતિએ હુમલા ચાલુ રાખશે, તો તેના અત્યાધુનિક મિસાઇલનો ભંડાર ખાલી થઈ શકે છે. એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 'કાયમ માટે' યુદ્ધ લડવાની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ લશ્કરી નિષ્ણાતો દારૂગોળાની અછતને લઈને ફફડી રહ્યા છે.
ભારે આર્થિક ફટકો: ૨૪ કલાકમાં ૬,૯૦૦ કરોડનો ધુમાડો
આ યુદ્ધ માત્ર જમીન પર જ નહીં પણ તિજોરી પર પણ લડાઈ રહ્યું છે. અમેરિકાએ યુદ્ધના પહેલા ૨૪ કલાકમાં જ અંદાજે ૬૯ અબજ રૂપિયા ($૭૭૯ મિલિયન) ખર્ચી નાખ્યા છે. વિશ્વના સૌથી મોટા એરક્રાફ્ટ કેરિયર 'યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ' ને સમુદ્રમાં કાર્યરત રાખવાનો દૈનિક ખર્ચ જ ૫૮ કરોડ રૂપિયા છે. અર્થશાસ્ત્રીઓના મતે, જો આ જંગ લાંબો ચાલશે તો અમેરિકાને ૧૮.૮૭ લાખ કરોડ રૂપિયાનો તોતિંગ બોજ સહન કરવો પડી શકે છે, જે તેની અર્થવ્યવસ્થા માટે મોટું જોખમ છે.
મિસાઇલ રેસમાં ઇરાન આગળ?
સૌથી વધુ ચોંકાવનારી વિગત શસ્ત્રોના ઉત્પાદન દરમાં સામે આવી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સ્વીકાર્યું છે કે ઇરાન દર મહિને અંદાજે ૧૦૦ મિસાઇલ બનાવી રહ્યું છે, જેની સામે અમેરિકા માત્ર ૬ કે ૭ ઇન્ટરસેપ્ટર (હુમલો રોકનાર મિસાઇલ) જ બનાવી શકે છે. અત્યાર સુધી અમેરિકાએ તેના THAAD ઇન્ટરસેપ્ટર્સનો ૨૫% જથ્થો વાપરી નાખ્યો છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકાના સંરક્ષણ તંત્ર રશિયા કે ચીન જેવા મોટા દેશોના ટૂંકા હુમલા રોકવા માટે બનેલા છે, ઇરાન જેવા સતત અને સસ્તા ડ્રોન-રોકેટ હુમલાઓ સામે તે હાંફી રહ્યું છે.
ટ્રમ્પની જિદ અને વાસ્તવિકતા વચ્ચેનો જંગ
જ્યારે લશ્કરી અધિકારીઓ ચેતવણી આપી રહ્યા છે કે યુક્રેન અને ઇઝરાયલને મદદ કરવાના કારણે આપણો ભંડાર ખાલી થઈ રહ્યો છે, ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને દાવો કરી રહ્યા છે કે અમેરિકા પાસે હથિયારોનો અમર્યાદિત જથ્થો છે. ટ્રમ્પે તો આ હુમલો ૪ થી ૫ અઠવાડિયા ચાલવાની આગાહી કરી છે, પરંતુ મેદાનમાં સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે. આ યુદ્ધ હવે માત્ર સૈન્ય તાકાતનું નહીં, પણ આર્થિક અને ઉત્પાદન ક્ષમતાનું પરીક્ષણ બની ગયું છે.
(6:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
