<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

પશ્ચિમ સરહદે ઈન્ડિયન એરફોર્સના પ્રચંડ સૈન્ય અભ્યાસની તૈયારી: ભારતે જારી કર્યું ‘NOTAM’, પાકિસ્તાન સરહદ નજીક આકાશમાં કવાયત ગરજશે

જોધપુર પાસે ‘અગ્નિ-II’ મિસાઈલ તૈનાત હોવાના પાકિસ્તાનના દાવા વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ; પાક. પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ક્ષેત્રીય અસ્થિરતાથી ડરીને ભારત સામે મંત્રણાનો રાગ આલાપ્યો

નવી દિલ્હી:ભારત અને પાકિસ્તાન વચ્ચેની પશ્ચિમ સરહદે ફરી એકવાર સૈન્ય હિલચાલ તેજ બની છે. ભારતીય વાયુસેના દ્વારા આગામી ૫ માર્ચ થી ૧૨ માર્ચ દરમિયાન પશ્ચિમ સેક્ટરમાં એક મોટા સૈન્ય અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ભારતે સત્તાવાર રીતે ‘નોટિસ ટુ એરમેન’ (NOTAM) જારી કરીને હવાઈ માર્ગો પર નિયંત્રણો લાદ્યા છે. આ હિલચાલને પગલે પાકિસ્તાનમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
શક્તિપ્રદર્શન: રાફેલ અને સુખોઈ ગરજશે
સંરક્ષણ નિષ્ણાતોના મતે, એક અઠવાડિયા સુધી ચાલનારા આ અભ્યાસમાં ભારતના અત્યંત આધુનિક ફાઈટર જેટ્સ જેવા કે રાફેલ અને સુખોઈ-30MKI સામેલ થઈ શકે છે. આ કવાયત માત્ર વિમાનો ઉડાડવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં હવામાં ઈંધણ ભરવાની ક્ષમતા (Mid-air refueling) અને અદ્યતન અવાક્સ (AWACS) સર્વેલન્સ સિસ્ટમનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. આ ડ્રિલ પશ્ચિમ સરહદે ભારતની કોમ્બેટ રેડીનેસ એટલે કે યુદ્ધ માટેની સજ્જતાની કસોટી સમાન છે.
અગ્નિ-II મિસાઈલની તૈનાતીના અહેવાલથી પાક. સ્તબ્ધ
આ સૈન્ય કવાયતની સાથે પાકિસ્તાની સ્ત્રોતોએ દાવો કર્યો છે કે ભારતે સરહદથી માત્ર ૨૫૦ કિલોમીટર દૂર જોધપુર પાસે પોતાની વ્યૂહાત્મક ‘અગ્નિ-II’ બેલેસ્ટિક મિસાઈલ તૈનાત કરી છે. ૨,૫૦૦ કિલોમીટરની રેન્જ અને ૧,૦૦૦ કિલોગ્રામથી વધુ વજનના પરંપરાગત કે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ આ મિસાઈલની ફોરવર્ડ તૈનાતી દુશ્મન દેશ માટે મોટો પડકાર છે. જોકે, ભારતે આ દાવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે ઈનકાર કર્યો નથી.
ડરી ગયેલા પાકિસ્તાનનો મંત્રણાનો રાગ
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોન ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસો અને ભારતની વધતી સૈન્ય તાકાત સામે પાકિસ્તાન દબાણમાં આવ્યું છે. આ વ્યૂહાત્મક દબાણ વચ્ચે પાકિસ્તાનના પ્રમુખ આસિફ અલી ઝરદારીએ નરમ વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની સંસદને સંબોધતા ઝરદારીએ ભારત સાથે રાજદ્વારી મંત્રણા શરૂ કરવા માટે અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે માત્ર સંવાદ જ એકમાત્ર માર્ગ છે, અન્યથા ક્ષેત્રીય તણાવ બેકાબૂ બની શકે છે.
પશ્ચિમ સરહદે વધી રહેલી આ ગતિવિધિઓ અને ભારતનું કડક વલણ સ્પષ્ટ કરે છે કે ભારત સરહદી સુરક્ષાના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી.

(6:13 PM IST)