News of Wednesday, 4th March 2026
ગોરખપુરથી સીએમ યોગીનો હુંકાર: ‘જો આપણામાં અર્જુન બનવાની હિંમત હોય, તો ભગવાન હંમેશા સાથે છે’, હોળીના મંચ પરથી અનિષ્ટ સામે લડવા આહ્વાન
ભગવાન નૃસિંહ શોભા યાત્રામાં ઉમટ્યો જનમેદનીનો મહેરામણ; યોગીએ અહંકાર, તુષ્ટિકરણ અને ભ્રષ્ટાચારને હોલિકા દહનની જ્વાળામાં ભસ્મીભૂત કરવાનો સંકલ્પ લેવડાવ્યો

ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે ગોરખપુરમાં પરંપરાગત ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરી હતી. શ્રી હોળી ઉત્સવ સમિતિ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આયોજિત ભવ્ય 'ભગવાન નૃસિંહ શોભા યાત્રા'નું ઉદ્ઘાટન કરતાં સીએમ યોગીએ આધ્યાત્મિકતા અને રાષ્ટ્રવાદનો સમન્વય સાધતો મજબૂત સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે આખી દુનિયા અત્યારે અશાંતિ અને અરાજકતાના મોજામાં ઘેરાયેલી છે, ત્યારે ભારત વડાપ્રધાનના નેતૃત્વમાં સુરક્ષિત છે અને નિર્ભયતાથી હોળીનો આનંદ માણી રહ્યું છે.
અર્જુન અને પ્રહલાદ જેવી હિંમત કેળવો
વિશાળ જનસભાને સંબોધતા યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, "ભગવાન રામ હોય, કૃષ્ણ હોય કે નૃસિંહ, તેઓ હંમેશા આપણી વ્યવસ્થામાં હાજર જ હોય છે. શરત માત્ર એટલી છે કે આપણામાંથી કોઈકે ભક્ત પ્રહલાદ જેવી શ્રદ્ધા, હનુમાન જેવી ભક્તિ કે અર્જુન જેવી લડવાની હિંમત કેળવવી પડશે. જો આપણે આ હિંમત બતાવીશું, તો વિજય નિશ્ચિત છે." તેમણે ઉમેર્યું કે 'સત્યમેવ જયતે' માત્ર સૂત્ર નથી પણ ભારતની આત્મા છે.
અહંકાર અને ભ્રષ્ટાચારનું દહન જરૂરી
હોલિકા દહનના પ્રતીકને સમજાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, લાકડા બાળવા એ માત્ર વિધિ નથી, પણ આપણા અંદર રહેલા અહંકાર, તુષ્ટિકરણની રાજનીતિ અને ભ્રષ્ટાચારને બાળી નાખવાનો સંકલ્પ છે. જો ક્યાંય પણ આતંકવાદ કે અરાજકતા માથું ઊંચકશે, તો તેને નાબૂદ કરવો એ જ સાચી હોળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સનાતન ધર્મની પરંપરા અનિષ્ટના વિનાશ અને સત્યની સ્થાપના માટે છે.
RSS ની શતાબ્દી ઉજવણી અને સામાજિક સૌહાર્દ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રશંસા કરતા યોગીએ કહ્યું કે, આ સંગઠનના શતાબ્દી વર્ષમાં લાખો સ્વયંસેવકોએ ભારતની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કર્યું છે. દેશભરમાં યોજાઈ રહેલી હિન્દુ પરિષદો અને શોભા યાત્રાઓ સામાજિક સમરસતાને મજબૂત કરી રહી છે. યાત્રા દરમિયાન મુખ્યમંત્રી પોતે રંગોમાં રંગાયેલા જોવા મળ્યા હતા અને જનતા પર પુષ્પવર્ષા કરીને હોળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
