<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

મોંઘીદાટ ડેટિંગ અને દેખાવડા રોમાન્સને કહો ‘ટાટા-બાય બાય’: હવે કપલ્સમાં ક્રેઝ વધ્યો ‘કોરેમેન્સ’નો, જાણો શું છે આ નવો ટ્રેન્ડ જે સંબંધોમાં ભરે છે મીઠાશ

વ્યસ્ત જીવનશૈલીમાં પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવાનો અનોખો કીમિયો; ઘરના કામમાં સાથ આપવો એ જ હવે બની રહ્યું છે ‘નવો રોમાન્સ’

નવી દિલ્હી: આજના ભાગદોડભર્યા જીવનમાં જ્યારે લોકો પાસે શાંતિથી શ્વાસ લેવાનો પણ સમય નથી, ત્યારે પ્રેમ વ્યક્ત કરવાની રીતો પણ બદલાઈ રહી છે. પહેલાં રોમાન્સ એટલે મોંઘી રેસ્ટોરાંમાં કેન્ડલ લાઈટ ડિનર કે ખર્ચાળ ગિફ્ટ માનવામાં આવતું હતું, પરંતુ હવે 'કોરેમેન્સ' (Choremance) એ આ વ્યાખ્યા બદલી નાખી છે. લોકો હવે ઢોંગી અને દેખાવડા ડેટિંગથી કંટાળીને પોતાના જીવનસાથી સાથે સાદગીભર્યો સમય વિતાવવા તરફ વળ્યા છે.
શું છે આ ‘કોરેમેન્સ’?
'કોરેમેન્સ' શબ્દ અંગ્રેજી શબ્દ ‘Chore’ (ઘરકામ) અને ‘Romance’ (રોમાંસ) ના મિશ્રણથી બન્યો છે. આ ટ્રેન્ડ મુજબ, જ્યારે કપલ્સ સાથે મળીને ઘરના રોજિંદા કામો જેવા કે રસોઈ કરવી, વાસણ સાફ કરવા, કપડાંની ગડી કરવી કે ઘરની સજાવટ કરવી - આ બધું સાથે કરે છે, ત્યારે તેમની વચ્ચેનું બોન્ડિંગ વધુ મજબૂત બને છે. આમાં કોઈ ખર્ચ નથી, બસ એકબીજા માટે સમય અને સાથ છે.
કેમ લોકપ્રિય બની રહ્યું છે?
મોટાભાગના યુગલો હવે વર્કિંગ છે. ઓફિસથી આવ્યા પછી પણ ઘરના કામોનો બોજ સંબંધોમાં તણાવ પેદા કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે પાર્ટનર ઘરના કામમાં હાથ વટાવે છે, ત્યારે તે માત્ર શારીરિક મદદ જ નથી હોતી, પણ માનસિક ટેકો પણ બની જાય છે. રિસર્ચ કહે છે કે સાથે મળીને ઘરકામ કરતા યુગલો વધુ ખુશ રહે છે કારણ કે તેઓ એકબીજાની જવાબદારી વહેંચે છે, જેનાથી પ્રેમ અને આદર વધે છે.
સંબંધોમાં નવું જોમ
કોરેમેન્સ એ બતાવે છે કે રોમાન્સ માત્ર હાર્ટ આકારના ચોકલેટ બોક્સમાં નથી, પણ રસોડામાં સાથે મળીને રોટલી વણવામાં કે ગાર્ડનમાં સાથે છોડને પાણી પાવામાં પણ છે. આ ટ્રેન્ડ હવે સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુગલો હવે ડેટિંગ એપના ‘ફેક’ પ્રોફાઇલ્સ અને ફોટાઓ કરતા વાસ્તવિકતામાં સાથે જીવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ તમારા સંબંધોમાં નવી તાજગી લાવવા માંગતા હોવ, તો આ હોળી પર સાથે મળીને ઘરની સાફ-સફાઈ કે રસોઈ કરીને ‘કોરેમેન્સ’ની શરૂઆત કરી શકો છો.

(6:22 PM IST)