<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

રાજપાલ યાદવનો સોશિયલ મીડિયા પર આક્રોશ: “હું ક્યારેય જજ સામે રડ્યો નથી, બધી વાતો તદ્દન ખોટી છે”, અફવા ફેલાવનારાઓને અભિનેતાએ આપ્યો જડબાતોડ જવાબ

ચેક બાઉન્સ કેસમાં જેલના સમાચાર વચ્ચે રાજપાલે મૌન તોડ્યું; “મારો ચહેરો જોઈને લોકોએ હસવું જોઈએ, રડવાની અપેક્ષા ન રાખશો”, કહીને અફવાખોરોને લીધા આડેહાથ

મુંબઈ: બોલિવૂડમાં પોતાની અનોખી કોમેડીથી કરોડો લોકોના દિલ જીતનાર અભિનેતા રાજપાલ યાદવ અત્યારે કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક ભ્રામક વાતોએ તેમને પરેશાન કરી દીધા છે. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થયા હતા કે રાજપાલ યાદવ કોર્ટમાં જજ સામે કરગરી રહ્યા છે અને રડતા-રડતા કહી રહ્યા છે કે તેમની પાસે પૈસા નથી. હવે આ મામલે ખુદ રાજપાલે સામે આવીને હકીકત જણાવી છે અને આ અહેવાલોને સદંતર ‘ફેક’ ગણાવ્યા છે.
“મારો વ્યવસાય હસાવવાનો છે, રડવાનો નહીં”
એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુમાં રાજપાલે કહ્યું કે, “ઇન્ટરનેટ પર તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે. જેમને કેસની સાચી જાણકારી નથી, તેઓ માત્ર અફવાઓ ફેલાવી પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. હું ક્યારેય ન્યાયાધીશ સામે રડ્યો નથી કે એવી લાચારી વ્યક્ત કરી નથી કે મારી પાસે પૈસા નથી. હું ઈચ્છું છું કે લોકો જ્યારે રાજપાલ યાદવનો ચહેરો જુએ, ત્યારે તેમના ચહેરા પર સ્મિત આવવું જોઈએ, નહીં કે દયા.” તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ મુશ્કેલ સમયમાં પણ મજબૂત છે.
પરિવાર અને ઇન્ડસ્ટ્રીનો મળ્યો સાથ
રાજપાલે વધુમાં ઉમેર્યું કે આ કપરા સમયમાં બોલિવૂડના ઘણા મિત્રો તેમની વ્હારે આવ્યા છે, જેમની મદદ વિશે સોશિયલ મીડિયા પર કોઈ ચર્ચા નથી. તેમનો પરિવાર તેમની સૌથી મોટી તાકાત બનીને ઊભો છે. તેમણે કહ્યું કે તેઓ કાનૂની પ્રક્રિયાનું પૂરેપૂરું સન્માન કરે છે અને ન્યાયતંત્રમાં તેમને અતૂટ વિશ્વાસ છે.
શું છે સમગ્ર મામલો?
રાજપાલ યાદવ સામે ચાલી રહેલા ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટે તેમને તાજેતરમાં મોટી રાહત આપી છે. પોતાની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે કોર્ટે તેમને ૧૮ માર્ચ સુધીના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુનાવણી દરમિયાન રાજપાલના વકીલે કોર્ટમાં ૧.૫ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જમા કરાવ્યો છે. કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવી લીધો છે અને હવે ૧૮ માર્ચના રોજ આ કેસની આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. ‘ભૂલ ભુલૈયા’ ફેમ આ કલાકાર અત્યારે અફવાઓથી દૂર રહીને પોતાના કાયદાકીય પ્રશ્નો ઉકેલવા પર ધ્યાન આપી રહ્યા છે.

(6:26 PM IST)