News of Wednesday, 4th March 2026
ટીમ ઇન્ડિયાના સ્ટાર બાપ્પાના શરણે: સેમિફાઇનલના હાઈ-વોલ્ટેજ જંગ પહેલા સિદ્ધિવિનાયકના આશીર્વાદ લેવા પહોંચ્યા ખેલાડીઓ, વાનખેડેમાં ઇંગ્લેન્ડ સામે થશે મહામુકાબલો
અભિષેક શર્મા, ઇશાન કિશન અને અક્ષર પટેલે વિજય માટે કરી પ્રાર્થના; પાંચ મેચોના ઇતિહાસમાં ભારતનું પલ્લું ભારે, શું ફરી એકવાર ‘ચોકલેન્ડ’ સાબિત થશે ઇંગ્લેન્ડ?

મુંબઈ: T20 વર્લ્ડ કપ ૨૦૨૬ હવે તેના સૌથી રોમાંચક તબક્કે પહોંચી ગયો છે. આવતીકાલે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલની નોકઆઉટ મેચ રમાવાની છે. આ મહત્વની મેચ પહેલા ભારતીય ટીમના યુવા ઓપનર અભિષેક શર્મા, ઇશાન કિશન અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ મુંબઈના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. ખેલાડીઓએ ગણપતિ બાપ્પાના ચરણોમાં શીશ ઝુકાવીને વર્લ્ડ કપની ટ્રોફી ભારત આવે તે માટે આશીર્વાદ માંગ્યા હતા.
ખેલાડીઓના ફોર્મ પર સૌની નજર
આ વર્લ્ડ કપમાં અભિષેક શર્મા માટે સફર ઉતાર-ચઢાવ વાળી રહી છે. સતત ત્રણ ડક (શૂન્ય રન) પછી તેણે ઝિમ્બાબ્વે સામે ૫૫ રનની શાનદાર ઇનિંગ રમીને લય પાછી મેળવી છે. બીજી તરફ, ઇશાન કિશન પણ પાકિસ્તાન અને નામિબિયા સામે ફિફ્ટી ફટકારીને ફોર્મમાં છે. અક્ષર પટેલે પોતાની સ્પિન બોલિંગથી અત્યાર સુધી સાત વિકેટ ઝડપી છે અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે સેમિફાઇનલમાં પણ તે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવશે.
ભારતનો સેમિફાઇનલ સુધીનો પ્રવાસ
ટીમ ઇન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન, નેધરલેન્ડ્સ અને યુએસએને હરાવીને ટીમ અજેય રહી હતી. જોકે, સુપર 8માં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝને ધૂળ ચટાડીને ભારતે શાનદાર રીતે સેમિફાઇનલમાં એન્ટ્રી કરી છે. બીજી બાજુ, ઇંગ્લેન્ડની ટીમ પણ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમોને હરાવીને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.
ઇતિહાસ શું કહે છે?
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને ઇંગ્લેન્ડ પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે, જેમાં ૩ વખત ભારતે જીત મેળવી છે. એક ખાસ સંયોગ એ પણ છે કે છેલ્લા બે વર્લ્ડ કપમાં આ બંને વચ્ચેની સેમિફાઇનલનો જે વિજેતા રહ્યો છે, તેણે જ અંતે ટ્રોફી જીતી છે. મુંબઈના ફેન્સને આશા છે કે ઘરઆંગણે રમાતી આ મેચમાં રોહિતના રજવાડાઓ ઇંગ્લેન્ડને હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરશે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
