News of Wednesday, 4th March 2026
મેક્સિકોમાં શકીરાનો ‘વાકા વાકા’ મેજિક: ૪ લાખથી વધુ ચાહકોની મેદની વચ્ચે મફત કોન્સર્ટ કરીને રચ્યો ઈતિહાસ, રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટ્યો
ઐતિહાસિક ઝોકાલો સ્ક્વેર બન્યું વિશ્વનું સૌથી મોટું ડાન્સ ફ્લોર; ‘હિપ્સ ડોન્ટ લાઈ’ના તાલે ઝૂમી આખી રાજધાની, હવે બ્રાઝિલમાં ધમાકો કરવાની તૈયારી

લોસ એન્જલસ: પોતાના અનોખા અવાજ અને પાવરફુલ ડાન્સ સ્ટેપ્સથી વિશ્વને ડોલાવનાર કોલમ્બિયન સિંગર શકીરાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે કેમ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની ક્વીન ગણાય છે. મેક્સિકો સિટીના હૃદય સમાન ઐતિહાસિક ઝોકાલો સ્ક્વેર પર શકીરાએ એક એવો કોન્સર્ટ કર્યો જેણે ઈતિહાસના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આશરે ૪,૦૦,૦૦૦ (ચાર લાખ) થી વધુ લોકોની હાજરીમાં રજૂ થયેલા આ ફ્રી કોન્સર્ટે સમગ્ર મેક્સિકોને ઉત્સવના રંગે રંગી દીધું હતું.
ચોક નાનો પડ્યો, શેરીઓમાં લાગી સ્ક્રીનો
શકીરાને સાંભળવા અને જોવા માટે લોકોનો ઉત્સાહ એટલો જબરદસ્ત હતો કે મુખ્ય ચોકમાં જગ્યા ઓછી પડી હતી. પ્રશાસને ભીડને જોતા આસપાસની શેરીઓ, અલામેડા સેન્ટ્રલ અને ક્રાંતિ સ્મારક જેવા વિસ્તારોમાં મોટી એલઈડી સ્ક્રીનો લગાવવી પડી હતી. આખું શહેર જાણે એક વિશાળ સ્ટેડિયમમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ કોન્સર્ટ સંપૂર્ણપણે મફત હોવાથી દેશના ખૂણેખૂણેથી ચાહકો પોતાના પ્રિય સ્ટારની એક ઝલક મેળવવા ઉમટી પડ્યા હતા.
હિટ ગીતો અને સ્ટેજ પર નવી જુગલબંધી
સ્ટેજ પર આવતાની સાથે જ શકીરાએ પોતાની ઉર્જાથી વાતાવરણમાં આગ લગાવી દીધી હતી. તેણે તેના ઓલ-ટાઈમ હિટ ગીતો "હિપ્સ ડોન્ટ લાઈ", "વાકા વાકા" અને "ડોન્ટ બોધર" રજૂ કરીને ભીડને ઝુમાવી દીધી હતી. આ દરમિયાન એક આશ્ચર્યજનક પળ ત્યારે આવી જ્યારે કોલમ્બિયન કલાકાર ‘બેલે’ પણ સ્ટેજ પર તેની સાથે જોડાયા. બંનેએ પ્રથમ વખત તેમનું નવું ગીત "આલ્ગો તુ" લાઈવ પર્ફોર્મ કર્યું હતું, જેને પ્રેક્ષકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો હતો.
હવે રિયો ડી જાનેરોની વારી
મેક્સિકોમાં ઇતિહાસ રચ્યા બાદ હવે શકીરા તેના વર્લ્ડ ટૂરના ભાગરૂપે બ્રાઝિલના પ્રખ્યાત શહેર રિયો ડી જાનેરો તરફ પ્રયાણ કરશે. અહેવાલો મુજબ, ત્યાં પણ તે એક ભવ્ય મફત કોન્સર્ટનું આયોજન કરવાની છે. શકીરાની આ ટૂર તેની કારકિર્દીની સૌથી સફળ ટૂર પૈકીની એક માનવામાં આવી રહી છે, જે દર્શાવે છે કે સમય ગમે તેટલો બદલાય, પણ શકીરાનો ક્રેઝ આજે પણ અકબંધ છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
