News of Wednesday, 4th March 2026
પિતાની ‘એક જ તક’ની શરતે દીકરીને બનાવી દીધી દેશની દિગ્ગજ ડૉક્ટર: ગરીબ પરિવારની નીતિ બની BHUની પ્રથમ મહિલા ન્યુરોસર્જન, લાખોનો પગાર ઠુકરાવી હવે ખાન સરની હોસ્પિટલમાં કરી રહી છે સેવા
સ્ત્રીરોગ નિષ્ણાત બનવાની સલાહ નકારીને પસંદ કર્યો ન્યુરોસર્જરીનો કઠિન માર્ગ; ઝારખંડ-બિહારની પ્રથમ મહિલા ન્યુરોસર્જન બનીને દરરોજ ૧૫૦થી વધુ ગરીબ દર્દીઓની મફત જેવી સારવાર કરી રચ્યો ઇતિહાસ

કોડર્મા: કહેવાય છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો ગરીબી કે લિંગભેદ ક્યારેય આડે આવતા નથી. આ વાતને સાર્થક કરી બતાવી છે ડૉ. નીતિએ. ઝારખંડના કોડર્મા જિલ્લાના એક અત્યંત સામાન્ય પરિવારમાં જન્મેલી નીતિએ આજે મેડિકલ ક્ષેત્રના સૌથી જટિલ ગણાતા ‘ન્યુરોસર્જરી’ વિભાગમાં પોતાની ધાક જમાવી છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ઇતિહાસમાં પ્રથમ મહિલા ન્યુરોસર્જન બનવાનું બહુમાન મેળવનાર ડૉ. નીતિની સફર કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી.
એક જ પ્રયાસ અને બે વર્ષનો વનવાસ
ડૉ. નીતિના પિતા બિરેન્દ્ર મોદી સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હતા, પરંતુ તેમની ઈચ્છા પુત્રીઓને ભણાવવાની હતી. જ્યારે નીતિએ ડૉક્ટર બનવાનું સપનું જોયું, ત્યારે પિતાએ મંજૂરી તો આપી પણ એક કડક શરત મૂકી: "તારી પાસે માત્ર એક જ ટ્રાયલ (પ્રયાસ) છે." આ પડકારને ઝીલીને નીતિ બે વર્ષ સુધી કોટામાં રહીને સામાજિક પ્રસંગો, હોળી-દિવાળી બધું જ ભૂલીને પુસ્તકોમાં ગળાડૂબ રહી. પરિણામ એ આવ્યું કે ૨૦૧૨માં AIPMT પરીક્ષામાં ૨૪૯મો રેન્ક મેળવીને તેણે મેડિકલ ક્ષેત્રે ધમાકેદાર એન્ટ્રી કરી.
પુરુષોના પ્રભુત્વવાળા ક્ષેત્રમાં કાઢ્યું કાંઠું
MBBS પછી જ્યારે નીતિએ સર્જરીમાં આગળ વધવાનું નક્કી કર્યું, ત્યારે અનેક લોકોએ તેને સલાહ આપી કે "સર્જરી સ્ત્રીઓ માટે નથી, તું ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રીરોગ નિષ્ણાત) બની જા." પરંતુ નીતિએ પડકાર સ્વીકાર્યો અને ન્યુરોસર્જરી જેવી જટિલ શાખા પસંદ કરી. તેણે તેની દરેક પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી અને BHUમાં પ્રથમ મહિલા ન્યુરોસર્જન તરીકે પ્રવેશ મેળવીને ઈતિહાસ રચી દીધો. કલાકો સુધી ઓપરેશન થિયેટરમાં ઉભા રહીને જટિલ મગજની સર્જરી કરવી એ તેની રોજનીશી બની ગઈ છે.
ભરખમ પેકેજ છોડી ખાન સર સાથે હાથ મિલાવ્યા
ડિગ્રી મેળવ્યા પછી દેશની નામી હોસ્પિટલો ડૉ. નીતિને લાખો રૂપિયાના પગારની ઓફર આપી રહી હતી, પરંતુ તેમનું લક્ષ્ય કંઈક અલગ હતું. તેમને એવા દર્દીઓની સેવા કરવી હતી જેઓ સારવારના અભાવે દમ તોડી દે છે. આ દરમિયાન તેઓ પ્રખ્યાત શિક્ષક ખાન સરના સંપર્કમાં આવ્યા. ખાન સરના વિઝનથી પ્રભાવિત થઈને ડૉ. નીતિએ સુવિધાઓ ત્યાગીને પટણામાં તેમની હોસ્પિટલમાં સેવા આપવાનું શરૂ કર્યું. આજે તેઓ દરરોજ ૧૦૦ થી ૧૫૦ જેટલા ગરીબ દર્દીઓની તપાસ કરે છે અને બિહાર, ઝારખંડ તેમજ નેપાળથી આવતા લોકોને નવું જીવન આપી રહ્યા છે.
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
