<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાન-ઇઝરાયલ મહાયુદ્ધની આગમાં શેકાયો કેરળનો ખેતીવાડી ઉદ્યોગ: ખાડી દેશોમાં શાકભાજીની નિકાસ ઠપ્પ, ફ્લાઈટ્સ રદ થતા ટનબંધ અનાનસ અને કેળા ખેતરોમાં જ સડવા લાગ્યા

સુરક્ષાના કારણોસર એર-રૂટ બંધ થતા નિકાસકારોની હાલત કફોડી; કરી પત્તા અને કેળાના પાનની ડિમાન્ડ હોવા છતાં માલ મોકલી શકાતો નથી, સ્થાનિક બજારમાં ભાવ ઘટવાની અને ખેડૂતોને નુકસાનની ભીતિ

તિરુવનંતપુરમ: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા ભીષણ જંગની અસર હવે સરહદો વટાવીને ભારતના દક્ષિણી રાજ્ય કેરળના ખેતરો સુધી પહોંચી છે. ખાડી દેશો (Gulf Countries) માં કેરળથી મોટા પાયે નિકાસ કરવામાં આવતા શાકભાજી અને ફળોનો પુરવઠો અત્યારે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવામાં આવતા નિકાસકારોના કરોડો રૂપિયાના ઓર્ડર અધ્ધરતાલ લટકી ગયા છે.
ખેડૂતો માલ સસ્તામાં વેચવા મજબૂર
કેરળના નિકાસકારો અત્યાર સુધી કરી પત્તા, અનાનસ, કાચા કેળા અને કેળાના પાન જેવી વસ્તુઓ દરરોજ ફ્લાઈટ દ્વારા દુબઈ, કતાર અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં મોકલતા હતા. સુરક્ષાના કારણોસર ફ્લાઈટ કામગીરી સ્થગિત થતા, નિકાસકારોએ હવે આ તાજો માલ સ્થાનિક બજારમાં નજીવા ભાવે વેચવાની ફરજ પડી રહી છે. જે માલ વિદેશમાં ઊંચા ભાવે વેચાતો હતો, તે હવે સ્થાનિક બજારોમાં સસ્તો થતા ગ્રાહકોને તો ફાયદો થશે પણ ખેડૂતોની કમર તૂટી જશે.
નિકાસકારો અને એરલાઇન્સ પર સંકટ
ખાડી દેશોમાં કેરળના કૃષિ ઉત્પાદનોની ભારે માંગ રહેતી હોય છે. ખાસ કરીને કરી પત્તા અને અનાનસની નિકાસ અટકી પડવાથી નિકાસકારોને દરરોજ લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એરલાઇન્સ દ્વારા કાર્ગો સ્પેસ બુક હોવા છતાં ઉડાણો રદ થતા સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. જો આ યુદ્ધ લાંબો સમય ચાલ્યું તો કેરળના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે, કારણ કે હજારો પરિવારો આ નિકાસ ઉદ્યોગ પર નિર્ભર છે.
શું ભાવ વધશે કે ઘટશે?
નિષ્ણાતોના મતે, યુદ્ધની અસરથી ખાડી દેશોમાં ભારતીય શાકભાજીના ભાવ આસમાને પહોંચી શકે છે કારણ કે ત્યાં પુરવઠો ઓછો થઈ ગયો છે. બીજી તરફ, ભારતના સ્થાનિક બજારોમાં નિકાસ ન થઈ શકવાને કારણે માલનો ભરાવો થશે, જેનાથી ટૂંકા ગાળા માટે ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે, લાંબા ગાળે જો લોજિસ્ટિક્સ ખર્ચ વધશે તો તેની અસર દરેક વસ્તુના ભાવ પર જોવા મળશે.

(6:41 PM IST)