News of Wednesday, 4th March 2026
ઈન્ડિગો ઉડાડશે ‘સાત સમંદર પાર’ની પાંખો: ચેન્નાઈથી રિયુનિયન આઇલેન્ડ સુધી શરૂ થશે સીધી ફ્લાઈટ, ભારતીયો માટે જ્વાળામુખીના ટાપુ પર ફરવાનું સપનું થશે સાકાર
૨૯ એપ્રિલ ૨૦૨૬થી શરૂ થશે નોન-સ્ટોપ હવાઈ સેવા; અઠવાડિયામાં ૩ દિવસ ઉડાન ભરશે એરબસ A320, ફ્રેન્ચ સંસ્કૃતિ અને જાદુઈ કુદરતી સૌંદર્યનો પ્રવાસીઓ માણી શકશે લ્હાવો

ચેન્નાઈ: જો તમે મોરિશિયસ કે માલદીવ્સ જેવી જગ્યાઓ ફરીને કંઈક નવું શોધવા માંગતા હોવ, તો ઈન્ડિગો તમારા માટે એક શાનદાર ખબર લઈને આવ્યું છે. ભારતની અગ્રણી એરલાઇન ઈન્ડિગો ૨૯ એપ્રિલ, ૨૦૨૬થી ચેન્નાઈ અને રિયુનિયન આઇલેન્ડ વચ્ચે સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવા જઈ રહી છે. આ નવો રૂટ પ્રવાસીઓને સીધા હિંદ મહાસાગરના આ અદભૂત ટાપુ પર લઈ જશે, જે અત્યાર સુધી ભારતીયો માટે પહોંચવા માટે થોડો મુશ્કેલ હતો.
૪૬મું આંતરરાષ્ટ્રીય સ્થળ અને અનેક સુવિધાઓ
રિયુનિયન આઇલેન્ડ ઈન્ડિગોના આંતરરાષ્ટ્રીય નેટવર્કનું ૪૬મું ડેસ્ટિનેશન બનશે. એરલાઇન અહીં એરબસ A320 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે. ચેન્નાઈને દક્ષિણ ભારતનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાવતા ઈન્ડિગોએ જણાવ્યું છે કે આ રૂટ પર અઠવાડિયામાં ત્રણ દિવસ (બુધવાર, શુક્રવાર અને રવિવાર) ફ્લાઈટ્સ ઓપરેટ થશે. પ્રવાસીઓ હવે ઈન્ડિગોની વેબસાઈટ કે એપ દ્વારા બુકિંગ કરાવી શકે છે.
શા માટે ખાસ છે રિયુનિયન આઇલેન્ડ?
મેડાગાસ્કર અને મોરિશિયસની વચ્ચે સ્થિત આ ટાપુ તેના જીવંત જ્વાળામુખી અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંનું ‘પિટોન ડે લા ફોરનેઝ’ (Piton de la Fournaise) જ્વાળામુખી લેન્ડસ્કેપ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવું છે. આ ટાપુ પર આફ્રિકન, યુરોપિયન અને ખાસ કરીને મોટી સંખ્યામાં ભારતીય સમુદાય રહે છે, જેના કારણે અહીંની સંસ્કૃતિમાં ભારતની ઝલક પણ જોવા મળે છે.
હનીમૂનર્સ અને સાહસિકો માટે સ્વર્ગ
ઈન્ડિગોના ગ્લોબલ સેલ્સ હેડ વિનય મલ્હોત્રાના જણાવ્યા મુજબ, આ નવો રૂટ હનીમૂન કપલ્સ, પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસિક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ફ્રેન્ચ ટચ અને ટ્રોપિકલ આઇલેન્ડનો સમન્વય ધરાવતો આ ટાપુ ભારતીય પ્રવાસીઓને એક નવો અને યાદગાર અનુભવ પૂરો પાડશે.
ફ્લાઇટ શેડ્યૂલ (૨૯ એપ્રિલ ૨૦૨૬થી):
રૂટ દિવસો પ્રસ્થાન આગમન
ચેન્નાઈ - રિયુનિયન બુધ, શુક્ર, રવિ ૧૨:૨૦ PM ૦૫:૧૦ PM
રિયુનિયન - ચેન્નાઈ બુધ, શુક્ર, રવિ ૦૬:૧૦ PM ૦૨:૧૦ AM (બીજો દિવસ)
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
