News of Wednesday, 4th March 2026
પાકિસ્તાનમાં ‘ગૃહયુદ્ધ’ જેવી સ્થિતિ: TTP ના ‘ઓપરેશન અલ-ખંડક’ એ સેનાના પાયા હચમચાવ્યા : ૧૮ મોટા હુમલાથી સરહદી વિસ્તારો રક્તરંજિત
પેશાવરથી વઝીરિસ્તાન સુધી આતંકીઓનો આતંક : પાકિસ્તાની સેના અને પોલીસ પર ગેરિલા હુમલા અને સ્નાઈપર ફાયરિંગ : અફઘાનિસ્તાન સરહદે તણાવ ચરમસીમાએ પહોંચતા પાકિસ્તાન નકશા પરથી ભૂંસાઈ જવાની ભીતિ વચ્ચે લોહીની હોળી ખેલાઈ

પેશાવર: પાકિસ્તાન અત્યારે તેના ઇતિહાસના સૌથી ખરાબ સુરક્ષા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ "ઓપરેશન અલ-ખંડક" હેઠળ પાકિસ્તાની સુરક્ષા દળો વિરુદ્ધ આરપારની જંગ છેડી દીધી છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અને તેની આસપાસના વિસ્તારોમાં માત્ર ૨૪ કલાકમાં ૧૮ થી વધુ ભીષણ હુમલાઓ કરીને TTP એ પાકિસ્તાની સેનાને ઘૂંટણિયે લાવી દીધી છે. પેશાવર અને દક્ષિણ વઝીરિસ્તાન જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો અને અંધાધૂંધ ફાયરિંગે સુરક્ષા એજન્સીઓના ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છતી કરી દીધી છે. આ હુમલાઓને TTP એ પોતાનું 'વસંત અભિયાન' જાહેર કર્યું છે, જેનો ઉદ્દેશ્ય પાકિસ્તાની સત્તાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે.
TTP ના લડવૈયાઓ અત્યાધુનિક હથિયારો સાથે ગેરિલા યુદ્ધ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે, જેમાં સ્નાઈપર હુમલા અને આઈઈડી (IED) વિસ્ફોટો મુખ્ય છે. પેશાવર અને દક્ષિણ વઝીરિસ્તાનમાં ચાર-ચાર મોટા હુમલાઓ ઉપરાંત ચિત્રલ, બજરૌર, મર્દન અને મોહમંદ જેવા વિસ્તારો પણ આ હિંસાની લપેટમાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશના નાગરિક વિસ્તારોમાં હવાઈ હુમલા કરવાની ફરજ પડી રહી છે. અફઘાનિસ્તાન સરહદે તૈનાત અફઘાન સેના પણ પાકિસ્તાની ચોકીઓ પર સતત ગોળીબાર કરી રહી છે, જેના કારણે પાકિસ્તાની સેના અત્યારે બેવડા મોરચે લડી રહી છે અને શરણાગતિ સ્વીકારવાની અણી પર છે.
આ સંઘર્ષ હવે માત્ર સરહદી વિવાદ રહ્યો નથી, પરંતુ પાકિસ્તાનના અસ્તિત્વ માટે ખતરો બની ગયો છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં TTP ના ઠેકાણાઓ પર હુમલા કર્યાના જવાબમાં TTP એ તેની પ્રવૃત્તિઓ દસ ગણી તેજ કરી દીધી છે. સ્થાનિક રહેવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને સેનાના જવાનોમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે. સરહદી વિસ્તારોમાં વધતી જતી આ અરાજકતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોને એવા તબક્કે લઈ ગઈ છે જ્યાંથી પરત ફરવું મુશ્કેલ છે. આ હુમલાઓ પાકિસ્તાનની આર્થિક બરબાદીમાં સુરક્ષા પાછળના તોતિંગ ખર્ચનો ઉમેરો કરી રહ્યા છે, જે દેશને સંપૂર્ણ અંધાધૂંધી તરફ ધકેલી રહ્યા છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
