<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાને હોર્મુઝનો રસ્તો સીલ કર્યો તો રશિયા બન્યું ભારતનું ‘ઢાલ’: તેલના આંતરરાષ્ટ્રીય જંગમાં પુતિનની મોટી એન્ટ્રી

ઈરાની નૌકાદળના ‘હોર્મુઝ’ પર કબજાથી વિશ્વમાં તેલનો પુરવઠો ઠપ થવાની ભીતિ વચ્ચે રશિયાએ ભારતના ખજાના ભરવાની કરી જાહેરાત: ટ્રમ્પની યુએસ નેવીને એસ્કોર્ટ આપવાની ઓફર વચ્ચે પુતિને ભારત-ચીન માટે તેલના ભંડાર ખોલ્યા

મોસ્કો:  મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધે હવે વૈશ્વિક અર્થતંત્રના ગળા સમાન 'હોર્મુઝ સ્ટ્રેટ'  ને પોતાની લપેટમાં લઈ લીધું છે. ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ આ વ્યૂહાત્મક જળમાર્ગ પર સંપૂર્ણ નિયંત્રણનો દાવો કરીને ચેતવણી આપી છે કે અહીંથી પસાર થનારા જહાજો પર ડ્રોન અને મિસાઈલ હુમલા થઈ શકે છે. આ જાહેરાતથી ભારત માટે મોટું જોખમ ઊભું થયું છે, કારણ કે ભારતનું દરરોજનું અંદાજે ૨૫૨.૭ મિલિયન બેરલ તેલ આ સાંકડા માર્ગેથી આવે છે. જોકે, આ કટોકટીના સમયે રશિયા ફરી એકવાર ભારત માટે 'તારણહાર' બનીને સામે આવ્યું છે. રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જાહેરાત કરી છે કે રશિયા ભારતને તેલનો પુરવઠો વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જેથી મધ્ય-પૂર્વના તણાવની અસર ભારત પર ન પડે.

વૈશ્વિક બજારમાં તેલના ભાવ આસમાને જવાની શક્યતા વચ્ચે રશિયાએ ફેબ્રુઆરી મહિનામાં પણ ભારતના સૌથી મોટા ક્રૂડ સપ્લાયર તરીકેનો પોતાનો તાજ જાળવી રાખ્યો છે. લેટેસ્ટ ડેટા મુજબ, રશિયા પાસેથી ભારતની તેલની આયાત ૧ MBD (મિલિયન બેરલ પ્રતિ દિવસ) થી વધુ રહી છે. બીજી તરફ, સાઉદી અરેબિયાએ પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પોતાનો હિસ્સો ૩૦% જેટલો વધારીને ભારત સાથેના સંબંધો મજબૂત કર્યા છે. રશિયા દ્વારા તેલના ભંડાર ખોલવાની આ જાહેરાત ભારતીય રિફાઇનરો માટે વરદાન સમાન સાબિત થશે, કારણ કે ઈરાક, યુએઈ અને કુવૈત જેવા દેશોમાંથી આવતા કાર્ગો પર અત્યારે યુદ્ધના વાદળો મંડરાઈ રહ્યા છે. રશિયાનો આ સહયોગ ભારતને ઉર્જા સુરક્ષા પૂરી પાડવા સાથે મોંઘવારીના મારથી પણ બચાવશે.

રાજદ્વારી મોરચે પણ આ ઘટનાક્રમ અત્યંત મહત્વનો છે. એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ નૌકાદળ દ્વારા તેલના ટેન્કરોને સુરક્ષા કવચ પૂરું પાડવાની ખાતરી આપી છે, તો બીજી તરફ રશિયાએ સીધો સપ્લાય વધારીને પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને મધ્ય-પૂર્વના પ્રભાવને પડકાર ફેંક્યો છે. ભારત અત્યારે રશિયા અને સાઉદી અરેબિયા બંને સાથે સંતુલિત રીતે તેલની ખરીદી કરી રહ્યું છે, જે યુદ્ધના સમયમાં દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખવા માટે માસ્ટરસ્ટ્રોક ગણાઈ રહ્યો છે. ઈરાનની ધમકીઓ વચ્ચે રશિયાના આ 'સારા સમાચાર' ભારતીય શેરબજાર અને સામાન્ય જનતા માટે મોટી રાહત લઈને આવ્યા છે.

(6:55 PM IST)