<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

યુદ્ધના મેદાનમાં બોલિવૂડ: ગાયક અભિજીત ભટ્ટાચાર્યનો પુત્ર દુબઈમાં ફસાયો : પિતાએ પીએમ મોદી પાસે માંગી મદદ

દુબઈના આકાશમાં ડ્રોનનો ખૌફ અને ઈરાની મિસાઈલ હુમલા વચ્ચે જય ભટ્ટાચાર્યનો જીવ જોખમમાં : એશા ગુપ્તા અને સોનલ ચૌહાણ માંડ-માંડ બચીને ભારત પરત ફર્યા : હવે સરકાર ‘રેસ્ક્યુ ઓપરેશન’ શરૂ કરે તેવી ગાયકની કરુણ અપીલ

મુંબઈ : મધ્ય-પૂર્વમાં છેડાયેલું ઈરાન-ઈઝરાયેલ મહાયુદ્ધ હવે સામાન્ય જનતાની સાથે બોલિવૂડ હસ્તીઓના ઘર સુધી પહોંચી ગયું છે. પ્રખ્યાત પ્લેબેક સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયદ્રાવક પોસ્ટ શેર કરીને ખુલાસો કર્યો છે કે તેમનો પુત્ર જય ભટ્ટાચાર્ય હાલમાં દુબઈમાં ફસાયેલો છે. દુબઈના આકાશમાં ઈરાની ડ્રોન દેખાવા લાગ્યા છે અને મિસાઈલ હુમલાના ભયને કારણે તમામ વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. એક પિતા તરીકેની લાચારી વ્યક્ત કરતા અભિજીતે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને આજીજી કરી છે કે તેમના પુત્રને ગમે તેમ કરીને સુરક્ષિત રીતે ભારત પાછો લાવવામાં આવે. તેમણે પીએમ મોદીને ટેગ કરીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

દુબઈ અને યુએઈ (UAE) હાલમાં પર્યટકો અને સેલિબ્રિટીઓ માટે હોટસ્પોટ છે, પરંતુ યુદ્ધે આ રોનકને ખૌફમાં ફેરવી નાખી છે. અભિનેત્રી સોનલ ચૌહાણ અને એશા ગુપ્તા પણ આ જ સંકટમાં ફસાઈ હતી, જોકે સદનસીબે તેઓ સમયસર ભારત પરત ફરવામાં સફળ રહી છે. પરંતુ જય ભટ્ટાચાર્ય સહિત હજુ પણ હજારો ભારતીયો ત્યાંના એરપોર્ટ અને હોટલોમાં કેદ છે. અભિજીતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, "એક સિંગલ ફાધર તરીકે મારા માટે આ સમય અત્યંત કઠિન છે, મારો પુત્ર અજાણ્યા દેશમાં યુદ્ધની વચ્ચે છે." આ નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો છે અને લોકો ભારતીય નાગરિકોની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા ભીષણ હુમલા બાદ ઈરાને વળતો પ્રહાર કરતા સમગ્ર મધ્ય-પૂર્વમાં અમેરિકી ઠેકાણાઓ અને સાથી દેશો પર ડ્રોન વર્ષા કરી છે. અમેરિકાનો દાવો છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવી રહ્યું હતું, જેને રોકવા માટે આ સર્જિકલ સ્ટ્રાઈક અનિવાર્ય હતી. જોકે, આ બે દેશોની લડાઈમાં અત્યારે નિર્દોષ લોકો અને વિદેશી નાગરિકો પિલાઈ રહ્યા છે. ભારત સરકાર અત્યારે સ્થિતિ પર નજર રાખી રહી છે અને એર ઈન્ડિયા સહિતની એરલાઈન્સ સાથે સંપર્કમાં છે, પરંતુ યુદ્ધના કારણે નો-ફ્લાય ઝોન જાહેર થતા રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓ પડી રહી છે.

(7:02 PM IST)