News of Wednesday, 4th March 2026
કારાજમાં કયામતનો મંજર: ઈઝરાયેલ-અમેરિકાના બોમ્બમારામાં ઈરાની સૈન્ય મથકો ખંડેર: તેહરાન સરહદે ભારે તબાહી
યુદ્ધના પાંચમા દિવસે ઈરાનના વ્યૂહાત્મક શહેર કારાજ પર મિસાઈલ વર્ષા: બાસીજ કમાન્ડ સેન્ટર અને પરમાણુ સંશોધન કેન્દ્રો નેસ્તનાબૂદ: ટ્રમ્પની ‘લાંબા યુદ્ધ’ની ગર્જના વચ્ચે ગલ્ફ દેશોમાં હાઈ-એલર્ટ અને તેલ પુરવઠો ખોરવાતા વૈશ્વિક અર્થતંત્રમાં હડકંપ

તેહરાન: મધ્ય-પૂર્વમાં છેડાયેલું મહાયુદ્ધ હવે ઈરાનના ઔદ્યોગિક અને લશ્કરી ગઢ ગણાતા કારાજ શહેર સુધી પહોંચી ગયું છે. ઈઝરાયેલ અને અમેરિકાના સંયુક્ત વાયુસેનાના પ્રચંડ હુમલામાં કારાજમાં ભારે વિનાશના અહેવાલો છે, જ્યાં ઈરાની શાસનના કરોડરજ્જુ સમાન 'બાસીજ' આંતરિક સુરક્ષા કમાન્ડ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું છે. બુધવારે વહેલી સવારે થયેલા આ વિસ્ફોટો એટલા તીવ્ર હતા કે આખું શહેર ધણધણી ઉઠ્યું હતું અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઈરાની સ્ટેટ ટીવી મુજબ, તેહરાનની આસપાસના વિસ્તારોમાં પણ સતત બોમ્બમારો ચાલુ છે, જેના કારણે અત્યાર સુધીમાં અંદાજે ૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધ હજુ અઠવાડિયાઓ સુધી ચાલવાના સંકેત આપી ઈરાન સામેની કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
બીજી તરફ, ઈરાને પણ આક્રમક વળતો પ્રહાર કરતા ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલા તેજ કર્યા છે. સાઉદી અરેબિયામાં મોડી રાત્રે ભયજનક સાયરન સંભળાયા હતા, જ્યારે યુએઈમાં આવેલા અમેરિકી કોન્સ્યુલેટ પર પણ ઈરાની ડ્રોન ત્રાટક્યા છે. પેન્ટાગોને પુષ્ટિ આપી છે કે કુવૈતમાં અમેરિકી કમાન્ડ સેન્ટર પર થયેલા હુમલામાં ચાર અમેરિકી આર્મી રિઝર્વ સૈનિકો શહીદ થયા છે. ઈરાને ઈઝરાયેલ તરફ ડઝનબંધ બેલિસ્ટિક મિસાઈલો છોડીને યુદ્ધને વધુ ભયાનક વળાંક આપ્યો છે. જોકે ઈઝરાયેલની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી, પરંતુ આ મિસાઈલ યુદ્ધને કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં હવાઈ મુસાફરી અને ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
લેબનોન પણ આ યુદ્ધની જ્વાળાઓથી બચી શક્યું નથી, જ્યાં ઈઝરાયલે હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવીને બાલબેક શહેરમાં રહેણાંક ઈમારતો પર હુમલો કર્યો છે, જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. એક દિવસ પહેલા જ ઈઝરાયલે ઈરાનના અત્યંત ગોપનીય એવા પરમાણુ સંશોધન કેન્દ્રો અને મિસાઈલ લોન્ચ પેડ્સને તોડી પાડીને ઈરાની નેતૃત્વને મોટો આંચકો આપ્યો હતો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઈઝરાયેલ-યુએસ ગઠબંધન ઈરાનના સૈન્ય માળખાને જડમૂળથી ઉખેડી નાખવા મક્કમ દેખાય છે. કારાજ અને તેહરાન પર થઈ રહેલા આ સતત હુમલાઓ સૂચવે છે કે આગામી ૨૪ કલાક સમગ્ર વિશ્વના શાંતિ અને અર્થતંત્ર માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
