<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

૫૦ વર્ષનું વેર અને રક્તરંજિત ઈતિહાસ: અમેરિકા-ઈરાન વચ્ચેના જંગના મૂળિયાં પાંચ દાયકા ઊંડા, પ્રતિબંધોથી શરૂ થયેલી લડાઈ હવે વિનાશક યુદ્ધમાં ફેરવાઈ

૧૯૭૯ના દૂતાવાસ કાંડથી લઈને ૨૦૨૬ના કન્યા શાળા પરના હુમલા સુધી: મહાસત્તાના દબાણ અને ઈરાનના વળતા પ્રહાર વચ્ચે પીસાતી માનવતા; પરમાણુ કરાર તૂટતા જ વિશ્વ પર તોળાયું ત્રીજા વિશ્વયુદ્ધનું સંકટ

તેહરાન: પશ્ચિમ એશિયામાં આજે જે બારૂદની ગંધ ફેલાયેલી છે, તે વર્ષોથી ચાલી રહેલા 'શેડો વોર' (પડછાયા યુદ્ધ)નું પરિણામ છે. અમેરિકા માટે આ સંઘર્ષ ૧૯૭૯માં શરૂ થયો હતો, જ્યારે તેહરાનમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કરી કર્મચારીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. પરંતુ ઈરાની પ્રજા માટે આ ઝેર તેનાથી પણ જૂનું છે. દાયકાઓ સુધી અમેરિકાએ ઈરાનના શાહને આપેલું સમર્થન અને ત્યારબાદ ઈરાન-ઈરાક યુદ્ધમાં ઈરાકને કરેલી મદદને તેહરાન ક્યારેય ભૂલી શક્યું નથી.
સંઘર્ષના ત્રણ ભયાનક તબક્કા
આ લોહિયાળ ઈતિહાસ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે:
•    પ્રથમ તબક્કો (૧૯૮૦): "ટેન્કર વોર" તરીકે જાણીતા આ સમયમાં અમેરિકી નેવીએ ખાડી દેશોમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી અને ઈરાની જહાજો પર હુમલા કર્યા.
•    બીજો તબક્કો (૨૦૦૩): ઇરાક પર અમેરિકાના આક્રમણ બાદ ઈરાન ચારે બાજુથી અમેરિકી સૈનિકોથી ઘેરાઈ ગયું. જવાબમાં ઈરાને અનેક લશ્કરી સંગઠનોને ઉભા કરીને અમેરિકા સામે 'પ્રોક્સી વોર' શરૂ કર્યું.
•    ત્રીજો તબક્કો (૨૦૧૭-૨૦૨૬): ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પરમાણુ કરાર (JCPOA) તોડ્યા બાદ તણાવ ચરમસીમાએ પહોંચ્યો. જાન્યુઆરી ૨૦૨૦માં કાસેમ સુલેમાનીની હત્યા અને હવે ૨૦૨૬માં શરૂ થયેલું પ્રત્યક્ષ યુદ્ધ આ જ કડીનો ભાગ છે.
ભૂલની ભયાનક કિંમત: નાગરિકોનો ભોગ
આ યુદ્ધમાં સૈનિકો કરતા પણ વધુ નિર્દોષ નાગરિકો હોમાયા છે. ૧૯૮૮માં અમેરિકાએ ભૂલથી ઈરાની પેસેન્જર વિમાન તોડી પાડ્યું જેમાં ૨૯૦ લોકો માર્યા ગયા. બદલામાં ૨૦૨૦માં ઈરાને પણ ભૂલથી યુક્રેનનું વિમાન તોડી પાડ્યું. સૌથી વધુ હૃદયદ્રાવક ઘટના ફેબ્રુઆરી ૨૦૨૬માં બની, જ્યારે દક્ષિણ ઈરાનમાં એક કન્યા શાળા પર મિસાઈલ પડતા ૧૫૦થી વધુ નિર્દોષ બાળકોના મોત થયા. આ ઘટનાએ ઈરાનીઓના મનમાં અમેરિકા પ્રત્યેના નફરતના વંટોળને વધુ ઉગ્ર બનાવ્યો છે.
શાંતિની છેલ્લી આશા પણ ઠગારી નીવડી
વર્ષ ૨૦૧૫માં બરાક ઓબામાના શાસનકાળમાં થયેલો પરમાણુ કરાર આ લોહિયાળ ચક્રને તોડવાની સૌથી નજીક હતો. જોકે, આ કરારના પતન સાથે જ શાંતિના તમામ દ્વાર બંધ થઈ ગયા અને આજે વિશ્વ ફરી એકવાર મહાવિનાશના આરે આવીને ઊભું છે. ઈરાન માટે આ લડાઈ હવે માત્ર સત્તાની નથી, પણ તેના અસ્તિત્વ અને આત્મસન્માનની બની ગઈ છે.

(7:45 PM IST)