<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

કેનેડાના પીએમ માર્ક કાર્નેનો અમેરિકા પર આકરો પ્રહાર: “મધ્ય પૂર્વનું યુદ્ધ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની નિષ્ફળતા, હુમલા પહેલા ટ્રમ્પે સાથી દેશોને અંધારામાં રાખ્યા”

ઈરાન પરના હુમલા બાદ ખાડી દેશોમાં ફેલાયેલી અરાજકતા પર કેનેડાની ચિંતા; વોશિંગ્ટનની એકતરફી કાર્યવાહીએ વિશ્વને વિનાશના આરે લાવી દીધું હોવાનો માર્ક કાર્નેનો ગંભીર આરોપ

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે માત્ર સરહદો પૂરતું સીમિત રહ્યું નથી, પણ તેના કારણે પશ્ચિમી દેશોના આંતરિક સંબંધોમાં પણ મોટી તિરાડ પડી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નેએ આજે એક સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ સંઘર્ષ એ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી વ્યવસ્થાની સંપૂર્ણ નિષ્ફળતા છે. તેમણે ખુલ્લેઆમ અમેરિકાની ટીકા કરતા કહ્યું કે, ઈરાન પર હુમલો કરતા પહેલા વોશિંગ્ટને તેના જીગરી સાથી દેશો સાથે પરામર્શ કરવાની પણ તસ્દી લીધી નહોતી.
શા માટે ભડકી યુદ્ધની આગ?
તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ, ગત શનિવારે અમેરિકા અને ઇઝરાયલના દળોએ ઈરાન વિરુદ્ધ આક્રમક સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. કેનેડાના પીએમના મતે, આ એકતરફી નિર્ણયને કારણે આજે આખું મધ્ય પૂર્વ સળગી રહ્યું છે. ઈરાને વળતો પ્રહાર કરતા હવે યુદ્ધના મોરચા બહેરીન, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર અને સાઉદી અરેબિયા સુધી પહોંચી ગયા છે.
રાજદ્વારી મિશનો પર તાળા, અસુરક્ષિત બન્યું વિશ્વ
પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કુવૈત અને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકી દૂતાવાસો પર પણ હુમલાના ભયને કારણે વોશિંગ્ટને સમગ્ર પ્રદેશમાં પોતાના રાજદ્વારી મિશન બંધ કરવાની ફરજ પડી છે. માર્ક કાર્નેએ ચેતવણી આપી છે કે જો આ રીતે સાથી દેશોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણયો લેવામાં આવશે, તો વૈશ્વિક સુરક્ષા માળખું ધરાશાયી થઈ જશે.
ભારતની મુલાકાતે આવેલા કાર્નેનું કડક વલણ
નોંધનીય છે કે કેનેડાના પીએમ અત્યારે ભારતની મુલાકાતે છે અને તેમણે નવી દિલ્હીથી આ નિવેદન આપીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કેનેડા હવે અમેરિકાની દરેક જીદમાં તેની સાથે નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા અને ચીન પણ અમેરિકાના આ વલણની ટીકા કરી રહ્યા છે. વિશ્વ હવે બે ભાગમાં વહેંચાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

(7:45 PM IST)