<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

ઈરાનના નવા સર્વોચ્ચ નેતા કોણ? પુત્ર મોજતબાની નિમણૂકના અહેવાલો પર સરકારે લગાવી રોક: ‘કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, મીડિયાના દાવા પાયાવિહોણા’

પિતા ખામેની કરતા પણ વધુ કટ્ટરપંથી મનાતા મોજતબાના નામ પર સસ્પેન્સ યથાવત; ટ્રમ્પના ‘પાગલ’ નિવેદનથી ઈરાન લાલચોળ, તેહરાનમાં ત્રણ દિવસના શોક વચ્ચે અંતિમ વિદાયની તૈયારીઓ

તેહરાન પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભયાનક સંઘર્ષ વચ્ચે ઈરાનના શાસનમાં મોટા પાયે ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ઇઝરાયેલી મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા હતા કે સ્વર્ગસ્થ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીના પુત્ર, મોજતબા ખામેનીને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે, બુધવારે ઈરાની સરકારે આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ઈરાની કોન્સ્યુલેટે સ્પષ્ટ કર્યું છે કે ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ’ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી.
કોણ છે મોજતબા ખામેની?
મોજતબા ખામેની તેમના પિતાના કાર્યાલયમાં પડદા પાછળ રહીને મોટું શાસન ચલાવતા હોવાનું મનાય છે. તેમનો ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને કુદ્સ ફોર્સના ટોચના કમાન્ડરો સાથે અત્યંત ગાઢ સંબંધ છે. પશ્ચિમી દેશો અને ઇઝરાયેલના મતે મોજતબા તેમના પિતા કરતા પણ વધુ કટ્ટરપંથી છે અને ઈરાનમાં અગાઉ થયેલા નાગરિક વિરોધ પ્રદર્શનો પર હિંસક કાર્યવાહી પાછળ તેમનો જ હાથ હોવાનું મનાય છે. વર્ષ ૨૦૧૯માં અમેરિકાએ તેમના પર કડક પ્રતિબંધો પણ લાદ્યા હતા.
ટ્રમ્પ અને અરાઘચી વચ્ચે વાકયુદ્ધ
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નેતાઓને ‘માનસિક રીતે બીમાર’ અને ‘પાગલ’ ગણાવતા પરિસ્થિતિ વધુ વણસી છે. ટ્રમ્પે દાવો કર્યો કે જો અમેરિકાએ હુમલો ન કર્યો હોત, તો આ લોકો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરીને અનેક દેશોનો નાશ કરી દેત. જેના જવાબમાં ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ટ્રમ્પે વાટાઘાટોના ટેબલ પર બોમ્બમારો કરીને રાજદ્વારી મૂલ્યો અને અમેરિકન જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
તેહરાનમાં ગમગીની: ખામેનીને અંતિમ વિદાય
આજે રાત્રે તેહરાનના ઇમામ ખોમેની પ્રાર્થના ભૂમિ ખાતે સ્વર્ગસ્થ નેતા આયતુલ્લાહ અલી ખામેનીને વિદાય આપવા માટે એક ભવ્ય સમારોહ યોજાશે. આ શોક સભા ત્રણ દિવસ સુધી ચાલશે. સમગ્ર તેહરાન અને ઈરાનમાં અત્યારે સન્નાટો છે, પરંતુ અંદરખાને નવા નેતાની પસંદગી માટેની ખેંચતાણ તેજ બની છે. રાયસીના સંવાદમાં ભાગ લેવા આવેલા વિશ્વના નેતાઓ પણ ઈરાનની આ અનિશ્ચિતતા પર નજર રાખી રહ્યા છે.

(7:46 PM IST)