News of Wednesday, 4th March 2026
સબરીમાલા સોનાના ગેરરીતિ કેસમાં મોટી રાહત: ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના પૂર્વ પ્રમુખ એ. પદ્મકુમારને મળ્યા જામીન, જેલના સળિયા પાછળથી થશે મુક્ત
કોલ્લમ વિજિલન્સ કોર્ટે બીજા કેસમાં પણ જામીન અરજી મંજૂર કરી; સોનાની ચોરી અને દરવાજાના ફ્રેમમાં ભ્રષ્ટાચારના આરોપો હેઠળ લાંબા સમયથી ચાલી રહી હતી તપાસ

તિરુવનંતપુરમ : કેરળના રાજકારણ અને ધાર્મિક વહીવટમાં ખળભળાટ મચાવનાર સબરીમાલા સોનાના ગેરરીતિ કેસમાં મુખ્ય આરોપી એવા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ એ. પદ્મકુમારને આખરે મોટી કાનૂની સફળતા મળી છે. કોલ્લમ વિજિલન્સ કોર્ટે આજે તેમની જામીન અરજી સ્વીકારી લેતા તેઓ હવે જેલની બહાર આવશે. પદ્મકુમાર સામે સબરીમાલા મંદિરના વહીવટમાં ભ્રષ્ટાચાર અને સોનાની ચીજવસ્તુઓમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો હતા.
એક પછી એક કેસમાં મળી રાહત
પદ્મકુમાર સામે મુખ્યત્વે બે કેસ ચાલી રહ્યા હતા. અગાઉ ૨૦ ફેબ્રુઆરીએ તેમને સબરીમાલા મંદિરના દરવાજાના ફ્રેમ (Sabarimala Door Frame) બનાવવામાં થયેલી કથિત નાણાકીય અનિયમિતતાના કેસમાં જામીન મળ્યા હતા. જોકે, સોનાની ગેરરીતિના બીજા કેસમાં તેઓ હજુ જેલમાં જ હતા. આજે વિજિલન્સ કોર્ટે બીજા કેસમાં પણ જામીન મંજૂર કરતા પદ્મકુમારના જેલમુક્તિના દ્વાર ખુલી ગયા છે.
શું છે સમગ્ર વિવાદ?
સબરીમાલા મંદિરના વહીવટકર્તા એવા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ પર એવા આક્ષેપો થયા હતા કે મંદિરને ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલા સોના અને અન્ય કિંમતી વસ્તુઓની નોંધણી અને જાળવણીમાં મોટી ગોલમાલ કરવામાં આવી છે. આ કેસની તપાસ વિજિલન્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં ભૂતપૂર્વ પ્રમુખ પદ્મકુમારની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ હજુ ચાલુ રહેશે
જોકે પદ્મકુમારને જામીન મળ્યા છે, પરંતુ તપાસ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે કેસની તપાસ હજુ પૂર્ણ થઈ નથી. કોર્ટે જામીન આપતી વખતે કેટલીક શરતો પણ મૂકી છે, જેમાં તપાસમાં સહકાર આપવો અને પુરાવાઓ સાથે ચેડા ન કરવા જેવી બાબતો સામેલ છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ કેસ પર આખા કેરળની નજર ટકેલી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
