News of Thursday, 5th March 2026
ટ્રમ્પે ખુદને ૧૦માંથી ૧૫ રેટિંગ આપ્યું: અમેરિકા મજબૂત સ્થિતિમાં
યુદ્ધના છઠ્ઠા દિવસે અમેરિકા અત્યંત મજબૂત સ્થિતિમાં છે અને ઈરાની નેતૃત્વ તેમજ તેમની મિસાઈલ ક્ષમતા ઝડપથી નબળી પડી રહી છે

વોશીંગ્ટન,તા.૫: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકન સેનાના પ્રદર્શનની જોરદાર પ્રશંસા કરી છે. તેમણે દાવો કર્યો છે કે યુદ્ધના છઠ્ઠા દિવસે અમેરિકા અત્યંત મજબૂત સ્થિતિમાં છે અને ઈરાની નેતૃત્વ તેમજ તેમની મિસાઈલ ક્ષમતા ઝડપથી નબળી પડી રહી છે.
વ્હાઈટ હાઉસમાં ટેકનોલોજી કંપનીઓના વડાઓ સાથેની વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે યુદ્ધના મોરચે ખૂબ જ સારું કરી રહ્યા છીએ. જ્યારે મને કોઈએ પૂછ્યું કે તમે ૧૦ માંથી આ સ્થિતિને કેટલું રેટિંગ આપશો, તો મેં કહ્યું - ૧૫. ટ્રમ્પના મતે, યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં અમેરિકાએ આશા કરતા વધુ પ્રગતિ હાંસલ કરી છે.
યુદ્ધના છઠ્ઠા દિવસે સમુદ્રી મોરચે પણ એક મોટી ઘટના બની છે. અહેવાલો મુજબ, અમેરિકન સબમરીને શ્રીલંકાના દરિયાકાંઠા પાસે ઈરાનના એક મોટા યુદ્ધજહાજને ડૂબાડી દીધું છે. પેન્ટાગોને સ્પષ્ટ કર્યું છે કે આ સૈન્ય અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાની મિસાઈલ ક્ષમતાઓને તોડી પાડવાનો અને તેમના સૈન્ય માળખાને નુકસાન પહોંચાડવાનો છે.
ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની નેતૃત્વના અનેક મહત્વના ચહેરાઓ અત્યારે અમેરિકાના નિશાના પર છે અને તેમના પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે. અમેરિકા અને ઈઝરાયેલ અત્યારે સમન્વય સાથે આક્રમક સૈન્ય અભિયાન ચલાવી રહ્યા છે, જેના કારણે ઈરાનનો ડ્રોન અને મિસાઈલ સ્ટોક ઝડપથી ખતમ થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.
મધ્ય પૂર્વમાં આ સંઘર્ષ હવે પ્રાદેશિક સ્થિરતા માટે મોટો પડકાર બની ગયો છે. ઈઝરાયેલે છેલ્લા ૫ દિવસમાં ઈરાન પર ૫૦૦૦ થી વધુ બોમ્બ ઝીંક્યા છે, જેના કારણે તેહરાન સહિત આખા દેશમાં તબાહીના દ્રશ્યો છે. બીજી તરફ, નાટો (NATO) પણ આ જંગમાં કૂદવાની તૈયારીમાં હોય તેવા સંકેતો મળી રહ્યા છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
