News of Thursday, 5th March 2026
ફક્ત વોટ્સએપ ચેટના આધારે છૂટાછેડા ન આપી શકાય
વોટ્સએપ ચેટને કેટલી હદ સુધી આધારભૂત પુરાવો માનવો એ અંગે બોમ્બે હાઈકોર્ટેનો મહત્ત્વનો ચુકાદો

નાશિક,તા.૫: વોટ્સએપ ચેટને કેટલી હદ સુધી આધારભૂત પુરાવો માનવો એ અંગે બોમ્બે હાઈ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે ફક્ત વોટ્સઍપ ચેટના આધારે ક્રૂરતા થઈ હોવાનું માનીને જીવનસાથીને તેનો પક્ષ મૂકવાની તક આપ્યા વિના છૂટાછેડા આપી શકાય નહીં.
જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની બેન્ચે ગયા અઠવાડિયે નાશિક જિલ્લા ફેમિલી કોર્ટ દ્વારા ક્રૂરતાના આધારે પત્ની પાસેથી છૂટાછેડા માગતી એક પુરુષ દ્વારા દાખલ કરાયેલી અરજીને મંજૂરી આપતા આદેશને રદ કર્યો હતો.
મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં ફેમિલી કોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે આદેશ એકતરફી હતો અને તેને વિરોધ કરવાની કે દલીલ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી.
ફેમિલી કોર્ટે ગયા મે મહિનામાં પોતાના આદેશ માટે પતિ દ્વારા રજૂ કરાયેલી વોટ્સઍપ ચેટનો આધાર લીધો હતો જેમાં પત્નીએ માગણી કરી હતી કે તેઓ અલગ રહેવા માટે નાશિકથી પુણે જતા રહે. મેસેજમાં તેણે સાસુ અને નણંદ સામે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી.
ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે આવા દબાણને કારણે પતિ ક્રૂરતાનો ભોગ બન્યો હતો અને તેથી તે છૂટાછેડા માટે હકદાર છે. હાઈ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે ફક્ત વોટ્સઍપ ચેટ પર આધાર રાખીને છૂટાછેડા મંજૂર ન થઈ શકે તેમ જ પત્નીને સુનાવણી કરવાની અને પુરાવા રજૂ કરવાની તક મળવી જોઈએ.
હાઈ કોર્ટે કહ્યું હતું કે ફેમિલી કોર્ટ આ મામલે નવેસરથી નિર્ણય લે અને અલગ થયેલું દંપતી મધ્યસ્થી દ્વારા સમાધાન કરવાની શક્યતા પર વિચાર કરે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
