News of Thursday, 5th March 2026
૧,૮૮,૭૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રૂપિયાઃ ઈરાનમાં અમેરિકાના યુદ્ધનો ખર્ચ
હુમલાના પ્રથમ ૨૪ કલાકમાં જ અમેરિકાએ ૭૭૯ મિલિયન ડોલર (આશરે રૂા.૬,૯૦૦ કરોડ) ખર્ચ્યાઃ ઈરાન સામેના આ યુદ્ધનો ખર્ચ વધીને રૂા.૧૮.૮૭ લાખ કરોડ સુધી પહોંચી શકે છે : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ગમે તે થાય, હવે અમેરિકા પાછળ હટશે નહીં

વોશીંગ્ટન તા.૫: અમેરિકા અત્યારે સંઘર્ષમાં ફસાયેલું છે. જાનમાલના નુકસાનની સાથે દેશને મોટું આર્થિક નુકસાન પણ વેઠવું પડી રહ્યું છે. અહેવાલો અનુસાર, ઈરાન પર થયેલા હુમલાના પ્રથમ ૨૪ કલાકમાં જ અમેરિકાએ ૭૭૯ મિલિયન ડોલર (આશરે રૂા.૬,૯૦૦ કરોડ) ખર્ચ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ યુદ્ધ લગભગ એક મહિના સુધી અથવા તેનાથી પણ વધુ સમય સુધી ચાલી શકે છે.
સેન્ટર ફોર ન્યૂ અમેરિકન સિક્યુરિટીના આંકડા મુજબ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (જેમ કે દુનિયાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ USS ગેરાલ્ડ આર. ફોર્ડ) ચલાવવાનો દૈનિક ખર્ચ આશરે ૬૫ લાખ ડોલર એટલે કે (રૂા.૫૮ કરોડ) થાય છે. ઈરાન પરના હુમલા માટે અમેરિકાએ ગેરાલ્ડ આર. ફોર્ડ સહિત બે કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ)માં તૈનાત કર્યા છે.
યુદ્ધની સૈન્ય તૈયારીઓ, વિમાનો અને નૌકાદળના જહાજોની તૈનાતી પાછળનો અંદાજિત ખર્ચ અગાઉથી જ ૬૩૦ મિલિયન ડોલર (રૂા.૫,૫૫૬ કરોડ) હતો. જો ટ્રમ્પના સંકેત મુજબ આ યુદ્ધ લાંબું ખેંચાય છે, તો પેન વ્હાર્ટન બજેટ મોડેલના ડિરેક્ટર કન્ટ સ્મેટર્સના જણાવ્યા અનુસાર, અમેરિકાએ કુલ ડોલર ૨૧૦ અબજ (રૂા.૧૮.૮૭ લાખ કરોડ) ખર્ચવા પડી શકે છે.
૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં આશરે ૧૨૦૦ લોકો માર્યા ગયા અને ૨૫૧ લોકોને બંધક બનાવ્યા ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયલને ૨૧.૭ અરબ ડોલરની લશ્કરી સહાય પૂરી પાડી છે. આમાં યમન, ઈરાન અને મધ્ય પૂર્વમાં ઇઝરાયલની કાર્યવાહીનો ખર્ચ શામેલ છે, જેનો ખર્ચ ૯.૬૫ અરબ ડોલરથી ૧૨.૦૭ અરબ ડોલરની વચ્ચેનો ખર્ચો આવ્યો છે.
બ્રાઉન યુનિવર્સિટીના ૨૦૨૫ના યુદ્ધ ખર્ચ રિપોર્ટ મુજબ, આ બે આંકડા ઉમેરવાથી ખર્ચ ૩૧.૩૫ અરબ ડોલર (રૂ. ૨.૮૨ લાખ કરોડ) થી વધીને ૩૩.૭૭ અરબ ડોલર (રૂ. ૩.૦૪ લાખ કરોડ) થઈ જાય છે. જ્યારે પૂછવામાં આવ્યું કે યુદ્ધ કેટલો સમય ચાલશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, અમે ચાર થી પાંચ અઠવાડિયાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ અમારી પાસે તેનાથી વધુ સમય સુધી યુદ્ધ ચાલુ રાખવાની ક્ષમતા છે. અમે તે કરીશું. ભલે ગમે તેટલો સમય લાગે. તેના માટે ગમે કે કરવું પડે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
