News of Thursday, 5th March 2026
ઈરાનની રાષ્ટ્રપતિ ઓફિસ અને ૫૦૦ વર્ષ જૂના ઐતિહાસિક મહેલ પર ઇઝરાયલે કર્યો હુમલો
જ્યાં ઈરાનના નવા સુપ્રીમ લીડરની પસંદગી થઈ રહી હતી એ એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સનું બિલ્ડિંગ પણ ધ્વસ્ત

તહેરાન તા.૫: ઇઝરાયલ સેનાનો દાવો છે કે તેમણે ઈરાની શાસનનું સેન્ટર ગણાતી પ્રેસિડન્ટની ઓફિસ પર હુમલો કર્યો છે. સોમવારે મોડી રાતે ઇઝરાયલી એર ફોર્સે સટિક કાર્યવાહી કરીને તેહરાનની વચ્ચે આવેલા લીડરશિપ કમ્પાઉન્ડ અને પ્રેસિડેન્શિયલ ઓફિસ પર હુમલો કરીને એને ખતમ કરી દીધાં હોવાનો દાવો કર્યો હતો. ઇઝરાયલ આર્મીનું કહેવું છે કે આ કમાન્ડ હેડક્વોર્ટર ઈરાનની સૌથી સુરક્ષિત જગ્યાઓમાંની એક હતી.
રાજકીય હેડક્વોર્ટર ઉપરાંત ઇઝરાયલે ઐતિહાસિક ધરોહરને પણ તહસનહસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઈરાનના ઐતિહાસિક શહેર ઇસ્ફહાનમાં આવેલા ૫૦૦ વર્ષ જૂના ચેહેલ સુતૂન મહેલ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો. આ મહેલ ફારસી સ્થાપત્યકલાનું ઉત્કૃષ્ટ ઉદહારણ અને યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ છે. ગઈ કાલે યુદ્ધના ચોથા દિવસે ઇઝરાયલે દેશની ઐતિહાસિક ધરોહર પર પ્રહાર કરીને એના કેટલાક હિસ્સાને ડેમેજ કરી દીધો હતો.
ઇઝરાયલે ઈરાનના કોમ શહેરમાં આવેલા ‘એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' નામના બિલ્ડિંગને પણ ડ્રોન્સના હુમલાથી કાટમાળમાં તબદીલ કરી નાખ્યું છે. આ એ જગ્યા છે જ્યાં આગામી સુપ્રીમ લીડરના ચયનની પ્રક્રિયા થવાની હતી. સ્ટ્રેટેજિક રીતે આ ઈરાનની ધાર્મિક અને રાજનીતિક વ્યવસ્થા પર બહુ મોટો પ્રહાર છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ સોશ્યલ મીડિયા પર દાવો કર્યો હતો કે એમની વાયુસેનાએ ઈરાનના લીડરશિપ કમ્પાઉન્ડ પર હુમલો કર્યો છે. આ હુમલા વખતે નેતાઓ આ જગ્યાએ મોજૂદ હતા કે કેમ એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
