<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

દિલ્હીમાં લોહીના તરસ્યા શિકારીઓની મોટી ભૂલ: બીજાને મારવા આવેલા બદમાશોએ ૧૮ વર્ષના નિર્દોષ ઇશાંતને ગોળીઓથી વીંધી નાખ્યો, માસ્ટરમાઇન્ડ જેલ ભેગો

લગ્ન પ્રસંગની ખુશી માતમમાં ફેરવાઈ; ‘રોન્ગ આઇડેન્ટિટી’ના કારણે આઝાદપુરમાં ખેલાયો લોહિયાળ ખેલ, પોલીસે મુખ્ય આરોપી સહિત ૭ સગીરોની કરી અટકાયત

નવી દિલ્હી, તા. ૦૫: દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભર્યા હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગત ૨૨ ફેબ્રુઆરીની રાત્રે મોડેલ ટાઉનના આઝાદપુર વિસ્તારમાં થયેલા ૧૮ વર્ષીય ઇશાંત ઉર્ફે ઇશુના ગોળીબાર કેસમાં પોલીસે મુખ્ય કાવતરાખોર મોહિત પાલની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ઇશાંતનો કોઈની સાથે કોઈ ઝઘડો નહોતો, પરંતુ માત્ર ‘ઓળખવામાં થયેલી ભૂલ’ના કારણે તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

દુશ્મનાવટ કોઈની અને ભોગ કોઈ બીજું બન્યું

પોલીસ પૂછપરછમાં માસ્ટરમાઇન્ડ મોહિત પાલે કબૂલાત કરી છે કે તેને નરેન્દ્ર ઓમ પાલ નામના શખ્સ સાથે જૂની દુશ્મનાવટ હતી. વર્ષ ૨૦૨૪માં નરેન્દ્રએ મોહિતના એક સાથીની હત્યા કરી હતી, જેનો બદલો લેવા તે આતુર હતો. ૨૨ ફેબ્રુઆરીએ તેને બાતમી મળી કે નરેન્દ્ર એક લગ્ન પ્રસંગમાં આવવાનો છે. મોહિત તેના સાથીદારો અને હથિયારો સાથે લગ્ન સ્થળના ગેટ પર જાળ બિછાવીને બેઠો હતો.

અંધાધૂંધ ફાયરિંગથી ધણધણી ઉઠ્યો વિસ્તાર

રાત્રિના સમયે જ્યારે ઇશાંત લગ્ન પ્રસંગના ગેટ પાસે પહોંચ્યો, ત્યારે અંધારામાં હુમલાખોરોએ તેને નરેન્દ્રનો સાથી સમજી લીધો હતો. કાંઈ પણ વિચાર્યા વગર હુમલાખોરોએ ઇશાંત પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. ઘટનાસ્થળેથી પોલીસને સાત ખાલી શેલ મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે હુમલાખોરો તેને જીવતો છોડવા માંગતા નહોતા. લોહીલુહાણ હાલતમાં ઇશાંતને હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરતા મુખ્ય આરોપી મોહિતની સાથે ૭ સગીરોની પણ અટકાયત કરી છે. નિર્દોષ ઇશાંતના મોતથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક ગેરસમજ અને વેરની આગમાં એક ઉભરતા યુવાનનું જીવન હોમાઈ ગયું છે. પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર અને વાહનો જપ્ત કરીને આગળની તપાસ તેજ કરી છે.

(4:52 PM IST)